મહારાષ્ટ્રમાં ‘તાન્હાજી’ ફિલ્મ ટેક્સ ફ્રી કરાઈ

મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે અજય દેવગન અભિનીત ઐતિહાસિક સમય પર આધારિત હિ્નદી ફિલ્મ ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’ ફિલ્મને રાજ્યમાં કરમુક્ત જાહેર કરી દીધી છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યો આ ફિલ્મને કરમુક્ત કરી ચૂક્યા છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક નેતાઓએ ‘તાન્હાજી’ ફિલ્મને કરમુક્ત કરવાની માગણી કરતા પત્રો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલ્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે.

અગાઉ ઉદ્ધવ ઠાકરેએ એક કાર્યક્રમમાં એમ કહ્યું હતું કે પોતે એમના સાથી પ્રધાનોની સાથે ‘તાન્હાજી’ ફિલ્મ જોશે.

ફિલ્મમાં અજય દેવગને મરાઠા યોદ્ધા તાનાજી માલુસરેનું પાત્ર ભજવ્યું છે. તાનાજી છત્રપતિ શિવાજી મહારાજના લશ્કરના સેનાપતિ હતા અંગ્રેજો સામે બહાદુરીપૂર્વક લડ્યા હતા.

ફિલ્મમાં કાજોલે તાનાજીના પત્ની સાવિત્રીબાઈનો રોલ કર્યો છે.

સૈફ અલી ખાને નેગેટિવ ભૂમિકા કરી છે. એ રાજપૂત સેનાપતિ ઉદય ભાન બન્યો છે મોગલ બાદશાહ ઔરંગઝેબ માટે કામ કરતો હતો.

ફિલ્મને અજય દેવગનની એડીએફ અને ભૂષણકુમારની ટી-સિરીઝ કંપનીઓએ સાથે મળીને બનાવી છે. ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત છે.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સપાટો બોલાવી દીધો છે અને અત્યાર સુધીમાં રૂ. 180 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે.