‘હું પંગા ક્વીન છું, કોહલી છે ટીમ ઈન્ડિયાનો પંગા કિંગ’: કંગના

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત માને છે કે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી રાષ્ટ્રીય ટીમમાં સૌથી નીડર ખેલાડી છે.

પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘પંગા’નો પ્રચાર કરવા માટે યોજાયેલા એક કાર્યક્રમમાં કંગનાએ કહ્યું કે, ‘હું ‘પંગા ક્વીન’ છું અને ટીમ ઈન્ડિયાનો ‘પંગા કિંગ’ ચોક્કસપણે વિરાટ કોહલી છે. એ નીડર છે અને એની સામે જે કોઈ પણ પડકાર આવે છે એને તે ઝીલી લે છે. આ વખતે અમે બેઉ એક જ દિવસે સાથે પંગો લેવાના છીએ. હું થિયેટરમાં લઈશ (‘પંગા’ ફિલ્મની રિલીઝ તારીખ શુક્રવાર 24 જાન્યુઆરી છે) અને વિરાટ એ જ દિવસે ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો છે, એ ટીમની ધરતી પર. મજા આવી જશે.’

અશ્વિની ઐયર તિવારી દ્વારા દિગ્દર્શિત ‘પંગા’ ફિલ્મમાં નીના ગુપ્તા, રિચા ચઢ્ઢા અને જસ્સી ગિલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

આ ફિલ્મ એક મહિલા કબડ્ડી ખેલાડી પર આધારિત છે, જે લગ્ન કર્યાં બાદ અને માતૃત્ત્વ ધારણ કર્યાં બાદ કબડ્ડીની રમતમાં કમબેક કરવા માગે છે. એ ખેલાડીનો રોલ કંગનાએ કર્યો છે.