બોલીવૂડ એક્ટર અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી થઈ

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી થઈ છે. 81 વર્ષના બિગ Bને શુક્રવારે સવારે છ કલાકે મુંબઈની કોકિલાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. વર્ષ 2018ની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તા’માં એક એક્શન સીન કરતી વખતે તેમને ખભા પર ઇજા થઈ હતી. જોકે એ ઇજા ગંભીર નહોતી. વર્ષ 2022માં ‘કૌન બનેગા કરોડપતિ’ 14ના શૂટિંગ દરમ્યાન અમિતાભ બચ્ચનના પગની નસ એક મેટલના ટુકડાથી કપાઈ ગઈ હતી. સેટ પર તેમને ત્યાંથી બહુ લોહી નીકળ્યું હતું, જે પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અમિતાભે 2020માં ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ કોવિડ સંક્રમિત છે. તેમના પુત્ર અભિષેક પણ પોઝિટિવ છે. તેઓ સારવાર માટે ત્યારે બે મહિના સુધી બિગ B હોસ્પિટલમાં રહ્યા હતા. ત્યાર બાદ 2022માં પણ તેઓ કોરોના સંક્રમિત થયા હતા.

વર્ષ 2000માં અમિતાભને માલૂમ પડ્યું હતું કે તેમને હેપેટાઇટ્સ B છે. વાસ્તવમાં એ બીમારી એક બેદરકારીનું પરિણામ હતી. જ્યારે ‘કુલી’ના સેટ પર થયેલી ઘટના પછી બિગ Bને લોહીની જરૂર પડી ત્યારે બ્લડ ડોનરની ભીડ લાગી હતી. 200 ડોનર દ્વારા તેમને 60 બોટલ લોહી ચઢાવવામાં આવ્યું હતું. એ વખતે બિગ Bને હેપેટાઇટિસ Bથી સંક્રમિત વ્યક્તિનું લોહી બેદરકારીથી ચઢાવવામાં આવ્યું હતું. જેથી તેઓ પણ એના શિકાર થયા હતા. એ વાત તેમણે આરોગ્ય મંત્રાલય દ્વારા હેપેટાઇટિસ Bના કેમ્પેનના બ્રાંડ એમ્બેસેડર બનવા પર જણાવી હતી.