‘આદિપુરુષ’ના દિગ્દર્શક ઓમ રાઉતની ભાજપે કાઢી ઝાટકણી

મુંબઈઃ ઐતિહાસિક વિષય પર આધારિત આગામી બહુભાષી ફિલ્મ ‘આદિપુરુષ’ના ટીઝરમાં હિન્દુઓનાં પવિત્ર ગ્રંથ રામાયણની ખોટી રીતે રજૂઆત કરવા બદલ અને રાવણના પાત્રને તેમજ પુષ્પક વિમાનને જે રીતે દર્શાવવામાં આવ્યા છે તે માટે ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉતની ભારતીય જનતા પાર્ટીનાં પ્રવક્તા માલવિકા અવિનાશે ટીકા કરી છે. માલવિકા અભિનેત્રી પણ છે.

રાઉતે ‘આદિપુરુષ’ ફિલ્મ હિન્દી, તેલુગુ, તામિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં બનાવવામાં આવી છે. તે આવતા વર્ષની 23 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ કરાશે. ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન, ક્રિતી સેનન મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મના ગઈ કાલે રિલીઝ કરાયેલા ટીઝરની વ્યાપકપણે ટીકા કરવામાં આવી છે. ફિલ્મની કંગાળ VFX (વિઝ્યુઅલ ઈફેક્ટ્સ) જોઈને દર્શકો નિરાશ થયા છે તેમજ સૈફ અલી ખાનના રાવણના પાત્ર સહિત અનેક પાત્રોનાં અવાસ્તવિક લૂક પણ લોકોને ગમ્યું નથી. રાવણને લાંબી દાઢી, માથાના ટૂંકા વાળ અને આંખોમાં કાજળ લગાડેલો બતાવવામાં આવ્યો છે. અનેક નેટયૂઝર્સે આ લૂકની સરખામણી અલાઉદ્દીન ખિલ્જી સાથે કરી છે.

માલવિકાએ કહ્યું છે કે, ‘દિગ્દર્શક રાઉતે રાવણ કેવો દેખાતો હતો એ જાણવા અને ફિલ્મમાં દર્શાવવા માટે વાલ્મિકી રચિત કે તુલસીદાસ રચિત રામાયણ ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈતો હતો. અરે, થાઈલેન્ડ જેવા દેશમાં પણ રામાયણના સુંદર રીતે પરફોર્મન્સ કરવામાં આવે છે. દક્ષિણભાષાઓની જૂની ફિલ્મોમાં પણ રાવણનું પાત્ર જોઈને એ જાણી શક્યા હોત. ‘રામાયણ’ ભારત દેશ, તેની સંસ્કૃતિ અને તેની જનતાનું પ્રતિનિધિત્વ કરનાર ગ્રંથ છે. લંકાવાસી રાવણ શિવ-ભક્ત બ્રાહ્મણ હતો. એણે 64 કળા હાંસલ કરી હતી. રાઉતે એમની ફિલ્મમાં રાવણને જે રીતે દર્શાવ્યો છે એ રાવણ નહીં, પણ તૂર્કસ્તાનના કોઈ જુલમી તાનાશાહ જેવો દેખાય છે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]