મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળો, એને કારણે લોકડાઉન-નિયંત્રણો, જીવનમાં ઉથલપાથલ મચાવી દેનાર સંજોગોને કારણે 2020ના વર્ષે દુનિયાભરના લોકોને હચમચાવી મૂક્યા છે. લોકોએ ભારે હૃદયે આ વર્ષને વિદાય આપી છે. બોલીવૂડના કેટલાક સિતારાઓએ પણ 2020નું વર્ષ પૂરું થયું એ બદલ હાશકારો અનુભવ્યો છે અને 2021નું વર્ષ સારું જશે એવી આશા વ્યક્ત કરી છે.
64 વર્ષીય અભિનેતા અનિલ કપૂરે વર્ષના આજે છેલ્લા દિવસે કહ્યું કે હું આભારી છું કે 2020માં જીવતો રહી શક્યો. એક નોંધમાં એમણે લખ્યું છે, ‘2020નું વર્ષ… આગળ વધવાનું, નવા સપનાંનું, કઠિન સમયનું રહ્યું… હું આભારી છું કે હું એમાં જીવતો રહી શક્યો… મારા પરિવારજનો અને મારી ટીમનો આભારી છું જેમણે મને પ્રેમ અને સહયોગ આપ્યો… વીતી ગયેલા 2020માં આપણું જે કંઈ બાકી રહ્યું હોય એ ચાલો 2021માં લઈ જઈએ.’ અનિલ કપૂરની નવી ફિલ્મ આવી રહી છે ‘એકે વર્સીસ એકે’. આ ફિલ્મમાં એમની રિયલ લાઈફની પુત્રી સોનમ કપૂરે પણ અભિનય કર્યો છે. એક અન્ય નવી ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું પણ તે શૂટિંગ કરી રહ્યા છે. એમાં તેમની સાથે નીતૂ કપૂર, વરુણ ધવન, કિયારા અડવાની, યૂટ્યૂબર પ્રાજક્તા કોલી પણ છે.