ઘરેલુ ક્રિકેટ માટે BCCIનો કોરોના પ્રોટોકોલ જારી

ઇન્દોરઃ ક્રિકેટ મેચમાં બોલર બોલને સ્વિંગ કરવા અને બોલને ચમકાવવા માટે થૂંક લગાવતો હતો, પણ આવતા મહિનાથી શરૂ થતા ઘરેલુ સત્રમાં એ આવું નહીં કરી શકે. કોવિડ-19ના જોખમને ધ્યાનમાં રાખતાં ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCIએ) આરોગ્ય અને સુરક્ષા પ્રોટોકોલ જારી કર્યા છે. મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘ (MPCA)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે 30 પાનાંનો પ્રોટોકોલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ચેમ્પિયનશિપ 10 જાન્યુઆરીએ શરૂ થતાં પહેલાં રાજ્ય ક્રિકેટ સંગઠનોને મોકલી આપવામાં આવ્યો છે.

આ પ્રોટોકોલમાં બોલ ક્રિકેટરોને આપતાં પહેલાં અમ્પાયર અથવા ટીમ સ્ટાફે એને સેનેટાઇઝ કરવાનો રહેશે. આ પ્રોટોકોલમાં મેચ સ્થળ, હોટેલ, ટ્રેનિંગ અને ટ્રાવેલિંગ દરમ્યાન સુરક્ષિત વાતાવરણ બનાવવું પડશે. આ પ્રોટોકોલ મુજબ મેચમાં ખેલાડીઓને હોટેલોમાં છ દિવસ સુધી અલગ રાખવામાં આવશે અને તેમના આગમનના પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે આરટી-પીસીઆર પદ્ધતિથી કોવિડ-19ની તપાસ કરવાની રહેશે.

આ પ્રોટોકોલમાં કહેવામાં આવ્યું છે કે ક્રિકેટર અને ટીમના સહયક સ્ટાફે વિશેષ પરિસ્થિતિમાં જ સુરક્ષિત વાતાવરણમાંથી બહાર જઈ શકશે. તેમણે બહાર જતાં પહેલાં ટીમના ડોક્ટરની મંજૂરી લેવી પડશે. આ પ્રોટોકોલમાં એ કહેવામાં આવ્યું છે કે કોવિડ-19થી બચાવના દિશા-નિર્દેશોના ઉલ્લંઘન પર ક્રિકેટરો અને ટીમના સહાયક સ્ટાફની સામે BCCI દંડાત્મક કાર્યવાહી કરશે.