પીએફ-ધારકોને નવા-વર્ષની ગિફ્ટઃ ખાતામાં વ્યાજની રકમ જમા

નવી દિલ્હીઃ નિવૃત્ત ફંડ સંસ્થા EPFOએ ગુરુવારે તેના છ કરોડથી વધુ સભ્યોના ખાતામાં વર્ષ 2019-20 માટે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ પર 8.5 ટકાના દરે વ્યાજ જમા કરવાની શરૂઆત કરી હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. કર્મચારીઓ પહેલી જાન્યુઆરી તેમના પીએફ ખાતામાં આ વ્યાજ જમા થયેલું જોઈ શકશે, એમ તેમણે કહ્યું હતું. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે લેબર મંત્રાલયના નિર્દેશ અનુસાર વર્ષ 2019-20 માટે સભ્યોના ખાતામાં ઈપીએફ પર 8.5 ટકા વ્યાજ જમા કરવાનું શરૂ થઈ ચૂક્યું છે.  

લેબરપ્રધાન સંતોષ ગંગવારે કહ્યું હતું કે વર્ષ 2019-20 માટે કર્મચારીઓને તેમના ઈપીએફ પર 8.5 ટકાનું વ્યાજ આપવાનો પ્રયાસ છે, જેના માટે નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. અમે સભ્યોનાં ખાતાંમાં નક્કી કરેલા વ્યાજના દરે વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ પણ કરી દીધી છે.

તેમણે કહ્યું હતું કે અમે જાણીએ છીએ વર્ષ 2020માં પરિસ્થિતિઓ અનુકૂળ નહોતી. તેમણે કહ્યું હતું કે જે સભ્યો 31 ડિસેમ્બરે નિવૃત્ત થશે, તેમને પણ 8.5 ટકાના દરે (2019-20) વ્યાજ મળશે. EPFO સભ્યોને તેમનાં ખાતાંમાં વ્યાજ આપવાનું શરૂ કરી દીધું છે અને જેતે સભ્યોને તેમનાં એકાઉન્ટમાં વ્યાજની રકમ પહેલી જાન્યુઆરીએ ક્રેડિટ થયેલી દેખાશે.  

આ વર્ષે માર્ચમાં ગંગવારના અધ્યધસ્થાને EPFOની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે નિર્ણય લીધો હતો કે ઈપીએફ પર વર્ષ 2019-20 માટે 8.5 ટકાના દરે વ્યાજ આપવું. આ પહેલાં સપ્ટેમ્બરમાં ગંગવારે ટ્રસ્ટીઝની બેઠકમાં નિર્ણય લીધો હતો કે 8.5 ટકાના વ્યાજને 8.15 ટકા અને 0.35 ટકા –એ બે હપતામાં વ્યાજને વિભાજિત કરીને પીએફધારકોના ખાતામાં જમા કરવું, પણ એ પછી તેમણે પીએફધારકોને એકસાથે 8.5 ટકાના દરે વ્યાજ આપવાનો નિર્ણય લીધો હતો.