ફાસ્ટેગ માટેની મુદત 15 ફેબ્રુઆરી-2021 સુધી લંબાવાઈ

નવી મુંબઈઃ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ફાસ્ટેગ માટેની આખરી તારીખ લંબાવી દીધી છે. સરકારે આ મુદતને 15 ફેબ્રુઆરી, 2021 સુધી લંબાવી છે. આમ હવે એ તારીખ સુધીમાં ફાસ્ટેગ લગાવી શકાશે. સરકારના આ નિર્ણયથી દેશભરમાં લાખો વાહનચાલકોને રાહત મળી છે.

ફાસ્ટેગનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ચાર્જિસ વસૂલ કરવા માટેની મુદત આ પહેલાં 2021ની 1 જાન્યુઆરી સુધી લંબાવાઈ હતી. પરંતુ હવે મુદત 15 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. મૂળ ડેડલાઈન અંતર્ગત, નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એજન્સી 1 જાન્યુઆરી, 2021થી દેશભરના તમામ ટોલ પ્લાઝા-નાકાઓ ખાતે ફાસ્ટેગ પેમેન્ટ સિસ્ટમને સંપૂર્ણપણે અમલમાં મૂકવાની હતી. તે અનુસાર, તમામ ચાર-પૈડાંના વાહનો અને કમર્શિયલ વાહનો પર ફાસ્ટેગ લગાડવાનું ફરજિયાત હતું. એક અહેવાલ મુજબ, ગુજરાતમાં 60 ટકા વાહનમાલિકો પાસે જ ફાસ્ટેગ છે. મૂળ મુદત આજે મધરાત પછી પૂરી થઈ જાત તે પછી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વિહોણા વાહનોના માલિકો પાસેથી ત્રણ ગણો દંડ વસૂલ કરવાની જાહેરાત કરાઈ હતી.