આલિયા સાથે ‘ગંગુબાઈ’ ફિલ્મમાં કામ કરવાની રણવીર અને રણબીરે ના પાડી? 

મુંબઈ – છેલ્લા કેટલાક દિવસોથી એવી અફવા ઉડી છે કે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ વચ્ચેના સંબંધો વણસી ગયાં છે. આનું કારણ છે, ‘ગંગુબાઈ’ ફિલ્મમાં આલિયા સાથે કામ કરવાનો રણવીરે કરેલો ઈનકાર.

‘ગંગુબાઈ’ ફિલ્મને સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા છે.

એક તરફ રણવીર અને આલિયા અભિનીત અને આજ વર્ષમાં રિલીઝ થયેલી ‘ગલી બોય’ ફિલ્મને 92મા એકેડેમી (ઓસ્કર) એવોર્ડ્સ માટે બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મની કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે અને બંને વચ્ચેની કેમિસ્ટ્રીને દર્શકોએ પસંદ પણ કરી છે, ત્યારે બીજી બાજુ રણવીરના ઈનકારથી આલિયા નારાજ થઈ ગઈ હોવાના અહેવાલો છે.

રણવીર અને આલિયા વચ્ચે કઈ બાબતે મતભેદ થયા છે એ હજી સુધી જાણવા મળ્યું નહોતું. આમ તો આ બંને જણ વચ્ચે ફિલ્મના સેટ પર કે પ્રમોશનલ કાર્યક્રમો વખતે સંબંધો સુમેળભર્યા હોવાનું જણાયું છે.

આલિયા તેની ‘ગંગુબાઈ’ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ કરવાની છે. આ ફિલ્મમાં આલિયા સાથે કામ કરવાની ભણસાલીએ રણવીરને ઓફર કરી હતી, પણ રણવીરે તે નકારી કાઢી હોવાનો અહેવાલ છે.

એવું પણ કહેવાય છે કે રણવીર ઉપરાંત રણબીર કપૂરે પણ ‘ગંગુબાઈ’માં આલિયા સાથે કામ કરવાનો ઈનકાર કરી દીધો છે. જો કે એમ કરવા પાછળ રણબીરનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.

‘ગંગુબાઈ’ ફિલ્મ મુંબઈના જાણીતા રેડલાઈટ વિસ્તાર, કમાઠીપુરાની એક મહિલાની વાર્તા પર આધારિત હશે. આ ફિલ્મની પટકથા હુસૈન ઝૈદી લિખિત પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ના એક ભાગ પર આધારિત હોવાનું મનાય છે.

જોકે અમુક અહેવાલો એવા પણ છે કે રણવીર અને આલિયા વચ્ચે કોઈ અણબનાવ થયો હોવાની અને રણવીરે ગંગુબાઈમાં આલિયા સાથે કામ કરવાની ના પાડી હોવાની વાતો ખોટી છે. કારણ કે, સંજય લીલા ભણસાલીએ ગંગુબાઈ ફિલ્મમાં કામ કરવાની રણવીરને કોઈ ઓફર કરી જ નથી.

રણવીર સિંહ અને આલિયા ‘તખ્ત’ ફિલ્મમાં પણ સાથે કામ કરી રહ્યાં છે. એ તેમની બીજી ફિલ્મ હશે. એનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે. એમાં કરીના કપૂર-ખાન, વિકી કૌશલ, અનિલ કપૂર, જ્હાન્વી કપૂર, ભૂમિ પેડણેકરની પણ ભૂમિકાઓ છે.

આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર સાથે જોવા મળવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]