પ્રથમ કક્ષાના ક્રિકેટરોનું મહેનતાણું વધારવું સૌરવ ગાંગુલીની પ્રાથમિકતા રહેશે

મુંબઈ – ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)ના નવા પ્રમુખ બનશે એ નિશ્ચિત થઈ ગયું છે ત્યારે એમણે આજે એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી છે, જેમાંની વ્યક્તિઓ બોર્ડના મોભાદાર હોદ્દાઓ સંભાળનાર સંભવિત સભ્યો હોય એવું લાગે છે.

તસવીરમાં, ગાંગુલીની સાથે જોવા મળે છે – જય શાહ (બોર્ડના સેક્રેટરી બની શકે છે), જયેશ જ્યોર્જ (બોર્ડના જોઈન્ટ સેક્રેટરી બની શકે છે), અનુરાગ ઠાકુર અને અરૂણ ધુમલ (ખજાનચી બની શકે છે).

ગાંગુલીએ આ તસવીર એમના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘બીસીસીઆઈમાં નવી ટીમ… આશા છે કે આપણે સરસ રીતે કામગીરી બજાવીશું… અનુરાગ ઠાકુર આ સફળતા બદલ આપનો આભાર.’

બીસીસીઆઈના પ્રમુખપદની ચૂંટણી 23 ઓક્ટોબરે યોજાવાની છે, પણ આ પદ માટે એકમાત્ર ગાંગુલીએ જ ઉમેદવારી નોંધાવી છે એટલે તે બિનહરીફ ચૂંટાશે એ નિશ્ચિત છે.

ગાંગુલીએ સોમવારે બીસીસીઆઈના પ્રમુખપદની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ એમ કહ્યું હતું કે ભારતીય ક્રિકેટના વહીવટીતંત્રમાં ઘણો જ મહત્ત્વનો સમય આવી ગયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં જે કંઈ બન્યું છે એને કારણે આ મહત્ત્વનો સમય આવ્યો છે. આ હોદ્દા પર રહીને હું મારી ટીમની સાથે મોટો ફરક લાવી શકીશ, જેનાથી ઘણો જ સંતોષ થશે. એવી આશા છે કે આગામી અમુક મહિનાઓમાં જ બધું ઠીક થઈ જશે અને ભારતીય ક્રિકેટમાં પરિસ્થિતિ ફરી સામાન્યવત્ થઈ જશે.

ગાંગુલી જોકે 2020ના સપ્ટેંબર સુધી જ બીસીસીઆઈના પ્રમુખ તરીકે સેવા બજાવી શકશે. એ હાલ ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલ (CAB)ના પ્રમુખ તરીકે પાંચ વર્ષથી હોદ્દા પર છે.

બીસીસીઆઈ પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ તમારી પ્રાથમિકતા શું હશે? એવા સવાલના જવાબમાં ગાંગુલીએ કહ્યું કે, હું મારું ધ્યાન સૌથી વધારે પ્રથમ કક્ષાની ક્રિકેટ પર કરવાનો છું. પ્રથમ કક્ષાના સ્તરે રમતા ખેલાડીઓ વિશે હું કાયમ અવાજ ઉઠાવતો રહ્યો છું, કારણ કે ક્રિકેટ માટે એ લોકો એમનો ઘણો સમય આપતા હોય છે. પ્રથમ કક્ષાની ક્રિકેટ જ તમારો પાયો અને શક્તિ ગણાય. છેલ્લા ત્રણ વર્ષમાં હું ઘણી વાર લખી ચૂક્યો છું કે પ્રથમ કક્ષાના ક્રિકેટરોનું મહેનતાણું ઘણું બધું વધારવું જોઈએ. તેથી એ જ મારી પ્રાથમિકતા રહશે.