મુંબઈઃ 2018માં આવેલી ‘રેડ’ ફિલ્મની સિક્વલ બનાવવાનું નિર્માતાઓએ નક્કી કર્યું છે. અજય દેવગન અભિનીત ‘રેડ’ ફિલ્મની સિક્વલની હાલ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી રહી છે.
2018ની ‘રેડ’નું દિગ્દર્શન રાજકુમાર ગુપ્તાએ કર્યું હતું. તે ફિલ્મ એક શક્તિશાળી નેતાના નિવાસસ્થાન પર આવકવેરા વિભાગે પાડેલા દરોડાની સત્યઘટના પર આધારિત હતી. તે દરોડા ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી ચાલ્યા હતા – 18 કલાક સુધી. અજય દેવગને ‘રેડ’ ફિલ્મમાં અમય પટનાયક નામના ઈન્કમ ટેક્સ ઓફિસરનો રોલ કર્યો હતો.
”રેડ’ ફિલ્મને દર્શકોએ ખૂબ જ વખાણી હતી. ત્યારે જ અમને થયું હતું કે દર્શકોને આવા સ્માર્ટ વિષય બહુ જ ગમે છે. હવે હું, અજય દેવગન અને નિર્માતા કુમાર મંગત ‘રેડ’ની સિક્વલ બનાવવા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ફિલ્મનો બીજો ભાગ હાલ સ્ક્રિપ્ટના તબક્કામાં છે,’ એમ ટી-સિરીઝના માલિક અને નિર્માતા ભૂષણ કુમારે કહ્યું છે.
ટી-સિરીઝની લેટેસ્ટ ફિલ્મ હતી ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવ્યો હતો. આ ફિલ્મમાં પણ અજય દેવગન મુખ્ય ભૂમિકામાં હતો.
‘રેડ’ની સિક્વલનું શૂટિંગ આવતા વર્ષના આરંભ પહેલા શરૂ થવાની ધારણા નથી.