શાળામાં હંમેશા 90% લાવતું બાળકને તમે કોઈપણ પ્રશ્ન પૂછો કે “આ રાજ્યનું કેપિટલ શું છે?” તો તે તરત જ જવાબ
આપશે. પરંતુ જો તમે તેને પૂછશો કે અત્યારે “તમે શું અનુભવી રહ્યા છો?” તો તેની લાગણીઓ માટે તેની પાસે એક પણ શબ્દ નહીં મળે. કારણ કે આપણે હંમેશા ઇન્ટેલીજન્સને ઇમોશન કરતાં વધુ મહત્વ આપ્યું છે. બાળક મેથ્સ, સાયન્સ, જનરલ નોલેજ, કરાટે, ડ્રોઇંગ બધું જ સમજી જાય, શીખી જાય, પણ પોતાના મનની લાગણીઓ સમજી શકતો નથી. કારણ કે આપણે કોઈ દિવસ ઇમોશનલ લિટરસી વિશે ચર્ચા કરી નથી. બાળક રડવા લાગે એટલે એક જ લક્ષ હોય કે તેને કેવી રીતે ચૂપ કરાવવો—ચોકલેટ આપી કે રમકડું આપી ખુશ કરતા માબાપ કદી લાગણીઓનું અર્થઘટન કરતા નથી, કારણ કે તેઓ પોતે જ આ વાતથી અજાણ છે.
ઇમોશનલ લિટરસી એટલે કે ભાવનાત્મક સાક્ષરતા. એ કોઈ સંવેદનશીલતા નહીં, પણ એક પ્રકારની જાગૃતતા છે કે તમે તમારી લાગણીઓને કેવી રીતે હેન્ડલ કરો છો. ગુસ્સો, ડર, ભય, નિરાશા દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પણ તેને સમજવું દરેક માટે સહેલું નથી. એમના માટે બાળપણથી જ આપણે એવા કોઈ પાઠ ભણ્યા નથી. ઇમોશનલ લિટરસી એટલે પોતાની તેમજ બીજાની લાગણીઓને ઓળખવાની, સમજવાની અને વ્યક્ત કરવાની ક્ષમતા.
ધારો કે કોઈ એક બાળક રડતું હોય. ત્યારે માં પૂછે કે,
“તને ગુસ્સો આવ્યો છે કે તું દુઃખી છે?”
અને તે બાળક ધીમે ધીમે પોતાની લાગણી ઓળખવાનું શીખે છે. અહીં તે પોતાની લાગણીઓના આવેગનું કારણ જાણી શકે છે અને તેને સમજવાની કોશિશ કરે છે. રડવું હંમેશા ખરાબ નથી હોતું. બાળક સમજશે કે રડવું કોઈ નબળાઈ નથી. આમ તેમાં કોઈ અપરાધભાવ કે ખોટા વિચારો નહીં આવે. માનસિક મજબૂતાઈ માટે આ ખૂબ જરૂરી છે.

મનોવિજ્ઞાનમાં ઇમોશનલ લિટરસી મહત્વ
ઇમોશનલ લિટરસી મેન્ટલ હેલ્થ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તમને વાત વાતમાં રિસાઈ જવાની ટેવ હોય તો આ શીખવું ખૂબ જરૂરી છે. આથી સ્ટ્રેસ, ડિપ્રેશન જેવા રોગોથી બચી શકાય છે. બીજાઓની લાગણીઓ સમજવામાં એ ખૂબ ઉપયોગી છે. બિઝનેસમાં, સમાજમાં મહત્વના સંબંધો જાળવવામાં પણ તે જરૂરી છે. આ ઉપરાંત, બાળકોના વિકાસમાં એ મહત્વનો ભાગ ભજવે છે. મોટાં થઈને તે આત્મવિશ્વાસુ અને સફળ બને છે અને ભવિષ્યમાં એકલતાનો શિકાર બનતા નથી.
શાળાઓમાં પણ ભાવનાઓ અંગે ચર્ચા થવી જોઈએ. એક શિક્ષક જો વિદ્યાર્થીના ગુસ્સા પાછળનો ડર સમજી શકે, તો તે સજા કરતા પહેલા વાતચીત પસંદ કરશે. અને અહીંથી જ બદલાવ શરૂ થશે. કારણ કે આપણે બાળકને માત્ર સફળ નહીં, પરંતુ સંવેદનશીલ અને સમજદાર પણ બનાવા માંગીએ છીએ. એટલે, બાળકોને શીખવવું જોઈએ કે રડવું નબળાઈ નથી અને ગુસ્સો ખરાબ નથી, પણ તેને કેવી રીતે વ્યક્ત કરવો તે મહત્વનું છે.

ભાવનાત્મક સાક્ષરતા જીવનની સાચી શિક્ષા છે. કારણ કે જે વ્યક્તિ પોતાની લાગણીઓને સમજી શકે છે, અંદરના વિશ્વનું અર્થઘટન કરી શકે છે, તેના માટે બહારની દુનિયા જીતવી સહેલી બની જાય છે. તે ખોટા વિચારોમાં કે સંબંધોમાં ગૂંચવાતા નથી.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)




