મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા ચરિત્ર અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું હૃદયરોગના હુમલાને કારણે આજે અહીં નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. એમના પરિવારમાં એમના પત્ની અને પુત્રી છે. કૌશીકના નિધનના સમાચાર એમના નિકટના મિત્ર અને સહ-બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે ટ્વિટરના માધ્યમથી જણાવ્યા છે. આ સમાચારથી બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 1956ની 13 એપ્રિલે હરિયાણાના મહેન્દ્રગઢમાં જન્મેલા સતીશ કૌશિકે ઘણી હિન્દી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ કર્યું હતું. એમણે કેટલીક ફિલ્મોમાં દિગ્દર્શન અને પટકથા લેખક તરીકેનું કાર્ય સંભાળ્યું હતું અને અમુક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું.
‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મમાં ‘કેલેન્ડર’ અને ‘દિવાના મસ્તાના’ ફિલ્મમાં ‘પપ્પૂ પેજર’ના ભજવેલા પાત્રો માટે તેઓ દર્શકોને આજે પણ યાદ રહી ગયા છે. 1990માં આવેલી ‘રામ લખન’ ફિલ્મ અને 1997માં આવેલી ‘સાજન ચલે સસુરાલ’ ફિલ્મમાં ભજવેલી ભૂમિકા બદલ એમને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. 1993માં એમણે ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ (અનિલ કપૂર, શ્રીદેવી) ફિલ્મનું દિગ્દર્શન સંભાળ્યું હતું. ત્યારબાદ એમણે ‘પ્રેમ’ અને ‘હમ આપકે દિલ મેં રેહતે હૈં’, ‘તેરે નામ’ ફિલ્મો બનાવી હતી.