મિત્રો સાથે હોળીની ઉજવણીમાં મશગૂલ હતા સતીશ કૌશિક

નવી દિલ્હીઃ આજના દિવસને બોલીવૂડ બ્લેક ડે તરીકે યાદ કરશે, કેમ કે આજના દિવસે બોલીવૂડે દિગ્ગજ કલાકાર અને ફિલ્મનિર્માતા સતીશ કૌશિકને હંમેશાં માટે ગુમાવ્યા છે. તેઓ 66 વર્ષના હતા. તેમના નિધનને પગલે ફિલ્મી દુનિયામાં સન્નાટો છવાઈ ગયો છે. તેમણે દિલ્હી સ્થિત નિવાસસ્થાને અસ્વસ્થ હોવાની ફરિયાદ કરી હતી.

અભિનેતા અનુપમ ખેરે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને ટ્વિટર પર એની માહિતી શેર કરી હતી. કેટલીક અન્ય હસ્તીઓ જેમ કે કંગના રણોત, મધુર ભંડારકર, રેણુકા શહાણે અને અન્ય કલકારોએ તેમના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમને હાર્ટ એટેક આવ્યો એ પહેલાં તેમણે હોળીની પાર્ટીમાં સામેલ થયા હતા.

જાવેદ અખ્તરે સોશિયલ મિડિયામાં ટ્વિટર એકાઉન્ટ પર સતીશ કૌશિક સાથેની હોળી સમારોહના ફોટોની સિરીઝ શેર કરી હતી. તેમણે અખ્તર, ઋચા અલી અને મહિમા ચૌધરી સાથેની પાર્ટીની કેટલાક ફોટો શેર કરતાં લખ્યું હતું કે  હોળીની પાર્ટી જાનકી કુટિર જુહુમાં. તેમણે બપોર સુધી પાર્ટીમાં ખૂબ મજા કરી અને પછી દિલ્હી માટે રવાના થયા હતા.

જોકે હોળીની પાર્ટી પછી તેમને બેચેની થવા લાગી હતી, જેથી તેમને ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટર્સે તેમને બચાવવાની બહુ કોશિશ કરી હતી, પણ તેમણે મોડી રાતે અંતિમ શ્વાસ લીધા હતા. હોળીના ફોટોમાં સતીશ કૌશિક ઘણા ખુશ દેખાઈ રહ્યા હતા. તેમના ચહેરા પરનું સ્મિત જોઈને લાગતું નહોતું કે તેમને આરોગ્ય સંબંધી સમસ્યા છે. તેમનું અચાનક ચાલ્યા જવું બધા માટે બહુ શોકિંગ છે.