દારૂના નશામાં ‘હિટ એન્ડ રન’ કેસ: દલીપ તાહિલને બે મહિનાની જેલ

મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા ચરિત્ર અભિનેતા દલીપ તાહિલરામાનીને 2018ની સાલના ડ્રન્ક ડ્રાઈવિંગ (હિટ એન્ડ રન) કેસમાં સ્થાનિક અદાલતે બે મહિનાની જેલની સજા ફટકારી છે. તે અકસ્માતમાં એક મહિલાને ઈજા થઈ હતી. અહેવાલો અનુસાર, 65 વર્ષીય અભિનેતાને અહીંના એક મેજિસ્ટ્રેટની કોર્ટે પુરાવાના આધારે જેલની સજા ફરમાવી છે. આ પુરાવો એ ડોક્ટરે પૂરો પા્યો હતો જેમણે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે તાહિલના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને એમની આંખો પણ પહોળી થઈ ગઈ હતી, એમની ચાલ અસ્થિર હતી અને વાત કરવામાં પણ એમનાથી લોચા વળતા હતા. જેનાથી સ્પષ્ટ થયું હતું કે અકસ્માત કર્યાના સમયે તેઓ દારૂના નશામાં હતા.

કોર્ટે તાહિલને આદેશ આપ્યો છે કે એમમણે ઈજાગ્રસ્ત મહિલાને વળતર પેટે રૂ. 5,000 ચૂકવવા. તાહિલે કહ્યું છે કે પોતે જજના આદેશનો આદર કરે છે. અમે આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારીશું. બનાવમાં મહિલાને નજીવી ઈજા થઈ હતી. મેં કોઈને ઈજા પહોંચાડી નહોતી.

2018માં, દલીપ તાહિલની કારે એક ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. એને લીધે એમાં બેઠેલી એક મહિલા પ્રવાસીને ઈજા થઈ હતી. તાહિલની ત્યારે જ ધરપકડ કરવામાં આવી હતી અને સ્થાનિક કોર્ટે એમને જામીન પર મુક્ત કર્યા હતા. અકસ્માત કર્યા બાદ તાહિલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રસ્તા પર ગણપતિ વિસર્જનના સરઘસો નીકળ્યા એને કારણે તેમને અટકી જવાની ફરજ પડી હતી. ઓટોરિક્ષામાં બેઠેલા પેસેન્જરોએ એમને પકડ્યા હતા. એમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને મારામારી પણ થઈ હતી. એને પગલે પોલીસને બોલાવવી પડી હતી અને તાહિલને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. તાહિલે બાદમાં બ્લડ ટેસ્ટ માટે લોહીનો નમૂનો આપવાનો ઈનકાર કર્યો હતો.

તાહિલ ‘બાઝીગર’, ‘હમ હૈ રાહી પ્યાર કે’, ‘કયામત સે કયામત તક’, ‘કહો ના પ્યાર હૈ’ સહિત અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.