અમિતાભ બચ્ચન પર જન્મદિનની શુભેચ્છાઓનો ‘અભિષેક’

મુંબઈઃ ફિલ્મજગતના સૌથી મોટા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. તેઓ 80 વર્ષના થયા છે. વડા પ્રધાન મોદીએ પણ તેમને જન્મદિનની શુભેચ્છાઓ આપી હતી.  તેમના જન્મદિન પર વડા પ્રધાનથી માંડીને ચારે બાજુથી જન્મદિનની શુભેચ્છાઓનો ‘અભિષેક’ થઈ રહ્યો છે. વડા પ્રધાને તેમના ટ્વીટમાં લખ્યું હતું કે અમિતાભ બચ્ચનજી 80મા જન્મદિનની બહુ-બહુ શુભકામનાઓ. તેઓ દેશની સૌથી ઉલ્લેખનીય ફિલ્મી હસ્તીઓમાંના એક છે. તેઓ સ્વસ્થ રહે અને દીર્ઘાયુ થાય.

દિગ્ગજ અભિનિતાની પુત્રી શ્વેતા બચ્ચને પણ પોતાના ગ્રાન્ડ ઓલ્ડ મેનને એક હાર્દિક શુભેચ્છા સંદેશ સોશિયલ મિડિયામાં આપ્યો હતો. શ્વેતાએ પિતા સાથે નાનપણના ફોટો શરે કર્યા હતા, જેમાં તે દાદા-દાદી હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનની સાથે દેખાઈ રહી છે. આ ફોટોની સાથે તેણે આબિદા પરવીન અને નસીબો લાલનું ગીત તું ઝૂમ પણ લખ્યું છે અને છેલ્લે લખ્યું છે… મારા ગ્રાન્ડ ઓલ્ડ મેનને 80 જન્મદિનની શુભેચ્છા.

 

શ્વેતાની પુત્રી નવ્યાએ પણ હરિવંશ રાય બચ્ચનની પ્રતિષ્ઠિત કવિતા અગ્નિપથની પંક્તિઓ ‘નાના’ માટે પોસ્ટ કરી છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે મારું જેવું કોઈ નહોતું અને થશે પણ નહીં…જન્મદિન મુબારક નાના.

અમિતાભ બચ્ચને 1969માં ‘સાત હિન્દુસ્તાની’થી ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ‘આનંદ’ (1971), ‘જંજીર’ (1973) અને ‘દીવાર’ (1975) જેવી ફિલ્મોએ દાયકાઓ સુધી તેમને સુપરસ્ટાર બનાવી દીધા હતા.