‘સ્વાતંત્ર વીર સાવરકર’માં રણદીપ હુડા સાથે ચમકશે અંકિતા લોખંડે

મુંબઈઃ બ્રિટિશ શાસન વખતના નેતા અને સ્વાતંત્ર્યસેનાની વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર)ના જીવન પર આધારિત બનનાર હિન્દી ફિલ્મ ‘સ્વાતંત્ર વીર સાવરકર’માં શિર્ષક ભૂમિકા ભજવનાર રણદીપ હુડા સાથે ચમકશે અંકિતા લોખંડે. અંકિતા ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’માં કરેલાં અભિનય માટે જાણીતી થઈ છે. ‘મોન્સૂન વેડિંગ’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’, ‘સાહબ, બીવી ઔર ગેંગસ્ટર’, ‘રંગ રસિયા’ અને ‘જિસ્મ 2’ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલો રણદીપ આ ફિલ્મનું દિગ્દર્શન સંભાળવાનો છે. દિગ્દર્શક તરીકે આ તેની પહેલી જ ફિલ્મ છે.

આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને લેજન્ડ સ્ટુડિયોઝ ઉપરાંત આનંદ પંડિત, સંદીપ સિંહ અને સેમ ખાન દ્વારા નિર્મિત આ ફિલ્મ 2023ની 6 મેએ રિલીઝ કરવાનું નિર્ધારિત છે. ફિલ્મની પરિકલ્પના સંદીપ સિંહની છે જ્યારે પટકથા લેખન ઉત્કર્ષ નૈથાની અને રણદીપ હુડાનું છે.