મુંબઈઃ હિન્દી ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરાએ એમની ફિલ્મ પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સનો નવો લોગો બહાર પાડ્યો છે. ફિલ્મ નિર્માણગૃહની સ્થાપનાના 50-વર્ષની ઉજવણીનો આ શુભારંભ છે.
સિલસિલા, દિલ તો પાગલ હૈ, ચાંદની, ધૂમ, વોર જેવી ફિલ્મો વડે યશરાજ ફિલ્મ્સે અત્યાર સુધીમાં અમિતાભ બચ્ચન, રિશી કપૂર, શાહરૂખ ખાન, વિનોદ ખન્ના, સૈફ અલી ખાન, રેખા, શ્રીદેવી જેવા સુપરસ્ટાર કલાકારોની કારકિર્દીને ચાર ચાંદ લગાવ્યા છે અને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે.
27 સપ્ટેમ્બર આદિત્યના સદ્દગત પિતા અને નિર્માતા યશ ચોપરાની 88મી જન્મતિથિ છે અને આજના દિવસે આદિત્યએ કંપનીનો નવો લોગો બહાર પાડ્યો છે.
આદિત્યએ કહ્યું છે કે 1970માં, મારા પિતા યશ ચોપરાએ એમના ભાઈ બી.આર. ચોપરાની છત્રછાયા અને આરામની જિંદગીને છોડી દઈને પોતાની માલિકીની ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. ત્યાં સુધી તેઓ બી.આર. ફિલ્મ્સ કંપનીમાં એક પગારદાર કર્મચારી હતા. ફિલ્મ નિર્માણ કંપની કેવી રીતે ચલાવવી એનું તેમને ત્યારે કોઈ જ્ઞાન પણ નહોતું. પરંતુ, એમને પોતાની પ્રતિભામાં, સખત પરિશ્રમમાં અને આત્મનિર્ભર બનવાનું સપનું સાકાર કરવામાં ખૂબ જ વિશ્વાસ હતો. પોતે એક સર્જનાત્મક માનવી હતા અને એમની કળાએ જન્મ આપ્યો હતો યશરાજ ફિલ્મ્સને.