લતા મંગેશકર 91 વર્ષનાં થયાં; બોલીવૂડે ‘મા સરસ્વતી’ને શુભેચ્છા આપી

મુંબઈઃ મહાન સ્વરસામ્રાજ્ઞી ‘ભારત રત્ન’ સમ્માનિત લતા મંગેશકર આજે એમનો 91મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આ જીવંત દંતકથા સમાન ગાયિકાને અસંખ્ય સેલિબ્રિટી વ્યક્તિઓએ સોશિયલ મિડિયા પર શુભેચ્છા વ્યક્ત કરી છે.

અભિનેત્રી કંગના રણોતે ટ્વીટમાં લખ્યું છેઃ ‘દંતકથાસમાન લતા મંગેશકરજીને વેરી હેપ્પી બર્થડેની શુભેચ્છા. કેટલાક લોકો એવા ફોકસ સાથે કર્મ કરતાં જાય છે કે તેઓ માત્ર એમની કળામાં જ ઝળકશે એટલું જ નહીં, પણ એમનાં કાર્યમાં પણ એવી જ સમાનતા જાળવતા હોય છે. આવાં એક ગૌરવશીલ કર્મયોગીને હું નમન કરું છું.’

ગાયક શંકર મહાદેવને લતા મંગેશકરને ‘મા સરસ્વતી’ તરીકે ઓળખાવ્યા છે. એમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ‘મા સરસ્વતીને હેપ્પીએસ્ટ બર્થડે. કૃપા કરીને અમને આશીર્વાદ આપો, અમારા જેવા સંગીતકારોને આશીર્વાદ આપતાં રહો જેથી અમે પરિશ્રમ કરીએ અને શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રયત્ન કરીએ.’

ગાયિકા શ્રેયા ઘોષાલે લતા મંગેશકરની જૂની તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે, ‘સ્વર સામ્રાજ્ઞી મા સરસ્વતી લતા મંગેશકરજીને એમનાં 91મા જન્મદિન નિમિત્તે મારાં પ્રણામ.’

નિર્માતા મધુર ભંડારકરે પોતે દરરોજ લતા મંગેશકરનાં જે ગીતો સાંભળે છે એ ટ્વિટર પર શેર કર્યા છે અને લખ્યું છે કે, ‘લતાદીદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. એમનો સ્વર પ્રત્યેક હૃદયને સ્પર્શે છે. મારા જીવનનો એક પણ દિવસ એવો ગયો નથી કે મેં તમે ગાયેલા ગીતો સાંભળ્યા ન હોય. ભગવાન ગણેશ આપને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન આપે.’