સુશાંતના શરીરમાં ઝેરના અંશ મળ્યા નથી: AIIMSનો ફોરેન્સિક રિપોર્ટ

નવી દિલ્હીઃ અહીંની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના ફોરેન્સિક વિભાગના નિષ્ણાતોની ટીમે બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો વિસરા રિપોર્ટ (જઠર, આંતરડા સહિત શરીરના આંતરિક અવયવો)નો રિપોર્ટ આજે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈને સુપરત કરી દેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, વિસરા રિપોર્ટમાં જણાવાયું છે કે સુશાંતને ઝેર આપવામાં આવ્યું નહોતું. એના શરીરમાં કોઈ ઓર્ગેનિક ઝેરના અંશ માલુમ પડ્યા નથી.

અગાઉ, સુશાંતના પિતા કે.કે. સિંહે એવો દાવો કર્યો હતો કે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ઝેર આપીને તેના પુત્રને મારી નાખ્યો હતો. વધુમાં, એમના પારિવારિક લૉયર વિકાસ સિંહે પણ આક્ષેપ કર્યો હતો કે સુશાંતની હત્યા કરવામાં આવી હતી.

સીબીઆઈ અમલદારો હાલ આ કેસમાં તમામ પાસાની તપાસ કરી રહ્યા છે.

મુંબઈના વિલે પારલેની કૂપર હોસ્પિટલમાંના ડોક્ટરોને હજી ક્લીન ચિટ આપવામાં આવી નથી. કૂપર હોસ્પિટલના અહેવાલની વિગતવાર સમીક્ષા કરવામાં આવી રહી છે અને પોસ્ટ-મોર્ટમ રિપોર્ટમાંથી મૃત્યુની તારીખ તથા અન્ય વિગતો કઈ રીતે ગાયબ છે એની સીબીઆઈ તપાસ કરે છે.

સીબીઆઈ એજન્સીએ જોકે હજી સુધી સુશાંતની હત્યા કરાઈ હતી કે એણે આત્મહત્યા કરી હતી એ સહિત કોઈ પણ સંભાવનાને નકારી કાઢી નથી.