રૂ. 450 કરોડના બેંક ફ્રોડ મામલે EDના દિલ્હીથી પંજાબ સુધી દરોડા

નવી દિલ્હીઃ EDના લખનૌ ઝોનલ કાર્યાલયે આજે મની લોન્ડરિંગ અધિનિયમ (PMLA), 2002 હેઠળ સંતોષ ઓવરસીઝ લિમિટેડ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરતાં વિવિધ સ્થળોએ તલાશી અભિયાન હાથ ધર્યું છે. ED દ્વારા આ તપાસ CBIના એક કેસને આધારે કરવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે બેંકોના એક સમૂહ પાસેથી આશરે 450 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. ત્યાર બાદ આ નાણાંનો નિર્ધારિત હેતુ માટે ઉપયોગ કરવાની જગ્યાએ તેને શેલ કંપનીઓ અને અન્ય નેટવર્ક મારફતે ફેરવવામાં આવ્યા હતા. આ મામલે ED દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં પ્રમોટરો, સંબંધિત કંપનીઓ અને અન્ય સંકળાયેલા લોકોનાં કુલ આઠ સ્થળોએ દરોડા પાડી રહી છે.

ED તપાસ શા માટે થઈ રહી છે?

CBIના કેસને આધારે EDએ આ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બેંકોના એક સમૂહ પાસેથી આશરે 450 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી અને ત્યાર બાદ આ રકમને શેલ કંપનીઓ, એકોમોડેશન એન્ટ્રી ઓપરેટરો અને સંબંધિત કંપનીઓના નેટવર્ક મારફતે ખોટાં બિલો (નકલી ઇન્વોઇસ) અને બનાવટી નાણાકીય વ્યવહારો દ્વારા ફેરવવામાં આવી હતી.

શેલ કંપની શું હોય છે?

શેલ કંપનીઓ એવી કંપનીઓ હોય છે જે માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે. વાસ્તવમાં તેમની પાસે કોઈ કાર્યાલય કે કર્મચારીઓ હોતા નથી, પરંતુ દસ્તાવેજોમાં તેઓ કાર્યરત હોવાનું દર્શાવવામાં આવે છે. આવી કંપનીઓનો ઉપયોગ કાળાં નાણાં છુપાવવા, કરચોરી કરવા અથવા મની લોન્ડરિંગ (ધનશોધન) માટે ઢાલ તરીકે કરવામાં આવે છે.

હાલની કાર્યવાહી

ED આ મામલે કડક વલણ અપનાવીને દેશના વિવિધ વિસ્તારોમાં ઝડપી તલાશી અભિયાન ચલાવી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબનાં આઠ સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલુ છે. પ્રમોટરો, સંબંધિત કંપનીઓ અને આ કથિત છેતરપિંડીમાં સહાય કરનારાઓ સાથે જોડાયેલાં સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે. EDની કાર્યવાહી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.