આપ નેતા સૌરભ ભારદ્વાજના નિવાસસ્થાને EDના દરોડા

નવી દિલ્હીઃ EDએ કથિત હોસ્પિટલ બાંધકામ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજના નિવાસસ્થાન સહિત દિલ્હી-NCR વિસ્તારમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દિલ્હી હોસ્પિટલ બાંધકામના કથિત કૌભાંડમાં નોંધાયેલા એક ECIR સાથે સંબંધિત છે.

સૌરભ ભારદ્વાજના નિવાસસ્થાને દરોડા બાદ આપ પાર્ટીએ ભાજપ પર હુમલો કર્યો છે. દિલ્હીની ભૂતપૂર્વ CM આતિશીએ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે આજે સૌરભજીના ઘરે દરોડા શા માટે પડ્યા? કારણ કે દેશમાં મોદીજીની ડિગ્રી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. શું મોદીજીની ડિગ્રી ખોટી છે? આ ચર્ચાથી ધ્યાન હટાવવા માટે જ દરોડા પાડવામાં આવ્યા છે. જે સમયના કેસની વાત કરવામાં આવી રહી છે, તે સમયે સૌરભજી મંત્રી પણ ન હતા. એટલે આખો કેસ જ ખોટો છે. સત્યેન્દ્રજીને પણ ત્રણ વર્ષ જેલમાં રાખ્યા બાદ અંતે CBI/EDને ક્લોઝર રિપોર્ટ આપવો પડ્યો હતો. આથી સાબિત થાય છે કે આપ પાર્ટીના નેતાઓ પર લગાવાયેલા બધા કેસ માત્ર ખોટા અને રાજકીય પ્રેરિત છે.

હોસ્પિટલ બાંધકામ સંબંધિત છે મામલો?

આ હોસ્પિટલ બાંધકામનું કથિત કૌભાંડ રૂ. 5590 કરોડનું છે. 2018-2019માં અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ દિલ્હીની સરકારે 24 હોસ્પિટલોના બાંધકામ માટે રૂ. 5590 કરોડની યોજનાઓને મંજૂરી આપી હતી. ICU હોસ્પિટલનું બાંધકામ છ મહિનામાં પૂરું થવાનું હતું, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ કામ અધૂરું જ છે. રૂ. 800 કરોડ ખર્ચવા છતાં ફક્ત 50 ટકા કામ જ પૂરું થઈ શક્યું છે. LNJAP હોસ્પિટલની કિંમત રૂ. 488 કરોડથી વધી રૂ. 1135 કરોડ થઈ ગઈ. અનેક સ્થળોએ બાંધકામનું કામ મંજૂરી વગર શરૂ કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રેક્ટરોની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાયું હતું. HIMSનું કામ 2016થી જ લંબિત છે અને તેમાં જાણીબૂજીને વિલંબ કરવાના આક્ષેપ લાગ્યા છે. આ મામલામાં સૌરભ ભારદ્વાજ સિવાય આપ નેતા સત્યેન્દ્ર જૈન પણ તપાસના દાયરામાં છે.