શું રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત ઈચ્છે છે?

13

નવી દિલ્હીઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વિડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદર્શન વિશે વાત કરે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઉદય મુખ્ય મંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની TMC સરકારની શાસન-પ્રશાસનની નિષ્ફળતાઓને કારણે થયો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે જો મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ સ્વચ્છ સરકાર ચલાવી હોત અને બંગાળમાં ધ્રુવીકરણ ન કર્યું હોત તો ભાજપ માટે રસ્તો ખૂલ્યો ન હોત.

તેમણે વધુમાં કહ્યું હતું કે વિચારધારાની લડતમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને હરાવી શકે છે. રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન ચાલી રહ્યું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે અને મતગણતરી ચોથી મેએ થશે. રાહુલ ગાંધીની આ ટિપ્પણીઓ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) વિરોધી ગઠબંધન ઇન્ડિયાનો ભાગ છે.

ભાજપે સત્તાવાર X હેન્ડલ પરથી તેમનો વિડિયો શેર કરીને લખ્યું હતું  કે રાહુલ ગાંધી સતત TMC વિશે સત્યના બોમ્બ ફોડી રહ્યા છે. ફરી એક વાર આભાર, રાહુલજી.

બંગાળના મતદાતાઓને સંદેશ આપતાં રાહુલ ગાંધીએ આ વિધાનસભા ચૂંટણીને કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની વિચારધારાની લડાઈ ગણાવી હતી. તેમણે ભાજપ પર લોકશાહી પ્રક્રિયાઓને નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો. એ સાથે જ તેમણે કહ્યું હતું કે પાર્ટીની વિચારધારા બંધારણ વિરુદ્ધ છે. તે સાથે તેમણે તૃણમૂલ કોંગ્રેસ સરકારની પણ ટીકા કરી હતી. કોંગ્રેસ સાંસદે આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં રાજકીય ધ્રુવીકરણે ભાજપના વિસ્તરણ માટે જગ્યા બનાવી છે.

રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ અંગે X પર પોસ્ટ કરીને કહ્યું હતું  કે પશ્ચિમ બંગાળનાં ભાઈઓ-બહેનો, વિચારધારાની આ લડાઈમાં ભાજપને માત્ર કોંગ્રેસ જ હરાવી શકે છે. તેઓ અધિકારો છીનવે છે, અમે અપાવીએ છીએ. તેઓ બંધારણ મિટાવે છે, અમે બચાવીએ છીએ.