સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ તબીબોનું આંદોલન યથાવત

કોલકતા: આરજી કર હોસ્પિટલ રેપ એન્ડ મર્ડર કેસમાં કોલકતાના જૂનયિર ડોક્ટર્સની હડતાળ હજુ પણ યથાવત છે. સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરતા  જૂનિયર ડોકટરોએ કહ્યું કે, “મૃત્યુ પામનાર જૂનિયર ડોક્ટરને હજુ સુધી ન્યાય મળ્યો ન હોવાથી અમે કામ નહિ કરીએ.”વિરોધ કરી રહેલા તબીબોનું કહેવું છે કે, “અમારી માંગણીઓ હજુ સુધી સંતોષવામાં આવી નથી. મૃતકને ન્યાય મળ્યો નથી. અમારું આંદોલન ચાલુ રહેશે. અમે ઈચ્છીએ છીએ કે આરોગ્ય સચિવ અને આરોગ્ય શિક્ષણ નિયામક રાજીનામું આપે. અમે આજે બપોરે સ્વાસ્થ્ય ભવન સુધી રેલી કાઢીશું.”જૂનિયર ડોકટરો લગભગ એક મહિનાથી કામથી અળગા રહ્યા છે. આથી સોમવારે ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે વિરોધ કરી રહેલા તબીબોને ફરજની કિંમત પર વિરોધ કરી શકાય નહીં એવું કહીને સાંજે 5 વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે તબીબોને ખાતરી આપી હતી કે, જો તેઓ સાંજ સુધીમાં કામ પર આવશે તો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.