તહેરાનઃ ભારત દ્વારા સિંધુ જળ કરારને સ્થગિત કર્યા બાદ પાણીની એક-એક બુંદ માટે તરસ્યું પાકિસ્તાન હવે ભારત સાથે વાતચીત કરવા તૈયાર થયું છે. પાકિસ્તાન હવે ભારત સાથે સિંધુ જળ કરાર અને કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરવા માગે છે. જોકે ભારત પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે હવે વાતચીત માત્ર આતંકવાદ અને પાકિસ્તાનના કબજામાં આવેલા કાશ્મીર (Pok)ના મુદ્દા પર જ થશે.
ઇરાનની યાત્રા પર ગયેલા પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે તહેરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે. સિંધુ જળ કરાર રદ થવાથી અને ઓપરેશન સિંદૂરની અસરથી ઘાયલ પાકિસ્તાનની અક્કલ હજુ પણ ઠેકાણે નથી આવી.. ઈરાનમાં પણ શહબાઝ શરીફે ફરીથી કાશ્મીર મુદ્દો ઉછાળ્યો હતો.
ગયા અઠવાડિયે રાજસ્થાનમાં યોજાયેલી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપતું રહેશે તો તેને એક-એક રૂપિયાની ભીખ માગવી પડશે.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને હવે ભારતના હકનું એક બુંદ પાણી પણ મળશે નહીં. તેમણે બિકાનેરમાં લોકોમાં કહ્યું કે ભારતના નાગરિકોના લોહી સાથે રમવાનું પાકિસ્તાનને બહુ મોંઘું પડશે અને આ ભારતનો દ્રઢ સંકલ્પ છે જેને કોઈ પણ આંતરરાષ્ટ્રીય દબાણ બદલાવી નહીં શકે.
વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર પહેલાથી અનેક વાર સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ભવિષ્યમાં જ્યારે પણ પાકિસ્તાન સાથે વાતચીત થશે, તો એ ફક્ત પાકિસ્તાનના કબજામાં આવેલા કાશ્મીર વિશે જ થશે, કારણ કે પાકિસ્તાને ભારતના અભિન્ન અંગ કાશ્મીર પર ગેરકાયદે કબજો કર્યો છે.
