નવી દિલ્હી: દેશની રાજધાની અને એન.સી.આર.ના વાતાવરણમાં થોડો સુધારો થયો છે. જો કે તેમ છતાં સુપ્રીમ કોર્ટે રાજ્યમાં લાગુ કરવામાં આવેલા નિયમોને હળવા કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીમાં અમલી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)-IVના નિયમોમાં છૂટછાટ આપવાનો ઇનકાર કર્યો છે. જો કે, કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને એ ધ્યાનમાં લેવાનો નિર્દેશ આપ્યો હતો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, જેઓ શાળાએ જઈ શકતા નથી, મધ્યાહન ભોજનનો લાભ લઈ શકતા નથી, તેઓ ઑનલાઇન વર્ગોમાં હાજરી આપી શકતા નથી, તેમના માટે શું કરી શકાય?કોર્ટે આ આદેશ ત્યારે આપ્યો જ્યારે એક કેસની સુનાવણી દરમિયાન એ વાત સામે આવી કે સખત નિયમોના કારણે દિલ્હીમાં ઘણા બાળકો શાળાએ જઈ શકતા નથી. જેના કારણે તેમનું શૈક્ષણિક અને સામાજિક જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે હવાની ગુણવત્તા સુધારવા માટે જરૂરી પગલાંની સાથે-સાથે શહેરી વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની અસરને ઘટાડવા માટે લાંબા ગાળાના ઉકેલો શોધવાની પણ જરૂર છે. સુપ્રિમ કોર્ટે એ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે કે લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને હવાની ગુણવત્તાની કટોકટીનું નિરાકરણ કરવામાં આવે.દિલ્હી-એન.સી.આર.માં પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે ગ્રેપ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 4 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ એક્શન પ્લાન તહેત પ્રદૂષણ ઘટાડવા માટે જરૂરી પગલાં લેવામાં આવે છે.