દિલ્હી વટહુકમ પરનું બિલ આવતીકાલે સંસદમાં રજૂ થશે, લોકસભામાં હોબાળો થવાની સંભાવના

દિલ્હીના અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ સંબંધિત કેન્દ્ર સરકારના વટહુકમ સાથે સંબંધિત બિલ સોમવારે (31 જુલાઈ) લોકસભામાં રજૂ કરવામાં આવશે. મોદી કેબિનેટે આ બિલને મંજૂરી આપી દીધી છે. દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) આ વટહુકમનો વિરોધ કરી રહી છે. આવી સ્થિતિમાં સોમવારે લોકસભામાં વિપક્ષ દ્વારા હંગામો થવાની સંભાવના છે. કેન્દ્રીય કેબિનેટે મંગળવારે ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) બિલને મંજૂરી આપી છે. કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને બદલવા માટે આ બિલ 19 મેના રોજ રજૂ કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીએ વટહુકમનો સખત વિરોધ કર્યો છે.

કેન્દ્રએ દિલ્હીમાં વટહુકમ બહાર પાડ્યો

આ વટહુકમ જણાવે છે કે નેશનલ કેપિટલ પબ્લિક સર્વિસ ઓથોરિટી નામની એક ઓથોરિટી હશે, જે તેને આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરશે અને તેને સોંપવામાં આવેલી જવાબદારીઓને નિભાવશે. આ વટહુકમ લાવવાના થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં બદલીઓ અને નિમણૂકો સાથે સંબંધિત મામલામાં નિર્ણય લેવાની સત્તા દિલ્હી સરકારને આપી હતી..

AAP વિપક્ષી પાર્ટીઓનું સમર્થન માંગે છે

વટહુકમ બહાર પાડ્યા બાદ આમ આદમી પાર્ટીએ ફરી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હાલમાં કોર્ટે આ મામલો 5 જજોની બંધારણીય બેંચને સોંપી દીધો છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બિલનો વિરોધ કરવા માટે વિપક્ષી નેતાઓ પાસેથી સમર્થન માંગ્યું છે.

કોંગ્રેસ સહિત અનેક પક્ષો સમર્થન આપશે

સંસદમાં આ બિલનો વિરોધ કરવા અરવિંદ કેજરીવાલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ટીએમસી ચીફ મમતા બેનર્જી, એનસીપી ચીફ શરદ પવાર, ડીએમકે ચીફ એમકે સ્ટાલિન સહિત અનેક વિપક્ષી નેતાઓને મળ્યા હતા. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ AAPને સમર્થન આપવાની વાત કરી છે.