ઇન્ડિગો સંકટ પર કેન્દ્રને દિલ્હી હાઈકોર્ટની ફટકાર

નવી દિલ્હીઃ ઈન્ડિગો મામલે દિલ્લી હાઈ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. બુધવારે મામલે સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ એક સંકટની સ્થિતિ છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે પરિસ્થિતિ એટલી ખરાબ કેમ થઈ? હાઈકોર્ટે 10 ડિસેમ્બરે ઇન્ડિગો સંકટને લઈને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે પૂછ્યું કે સરકારે આવી પરિસ્થિતિ સર્જાવા જ કેમ દીધી? હાઈકોર્ટે સરકારે પૂછ્યું હતું કે અન્ય એરલાઇન્સને 39થી 40,000 રૂપિયા સુધી ભાડું વધારવાની મંજૂરી કેવી રીતે મળી ગઈ? કોર્ટે તાકીદ કરતાં સવાલ કર્યો હતો કે તમે આટલા સમયથી કરી શું રહ્યા હતા?

હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે ફસાયેલા મુસાફરોની મુશ્કેલી અને તકલીફ તો છે જ, પણ સાથે અર્થતંત્રને થયેલા નુકસાનનો સવાલ પણ ઊભો થાય છે. હાઇકોર્ટે પૂછ્યું હતું કે બીજી એરલાઇન્સ આ પરિસ્થિતિનો કેવી રીતે લાભ લઈ શકે? ટિકિટ માટે ભારે રકમ કેવી રીતે વસૂલવામાં આવી શકે?

હાઈકોર્ટની બેન્ચે સરકારને સવાલ કર્યો હતો કે એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સંભાળવા અને તેમની તકલીફ દૂર કરવા શું વ્યવસ્થા કરવામાં આવી છે? હાઈકોર્ટે કહ્યું હતું કે મુસાફરોને વળતર આપવા માટે શાં પગલાં લેવામાં આવ્યાં છે? તમે કેવી રીતે સુનિશ્ચિત કરો છો કે એરલાઇન સ્ટાફ જવાબદારીપૂર્વક વર્તે?

કેન્દ્રએ શું જણાવ્યું?

એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર લાંબા સમયથી FDTL લાગુ કરવાનું ધ્યેય રાખતું હતું, પરંતુ એરલાઇન્સે સિંગલ જજ સમક્ષ જુલાઈ અને નવેમ્બર ફેઝ માટે મુદત વધારવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે મિનિસ્ટ્રીએ દખલ કર્યું છે. અમે ભાડાની મર્યાદા નક્કી કરી દીધી છે અને આ મર્યાદા પોતે જ એક કડક નિયમનાત્મક પગલું છે.

હાઈકોર્ટે સુનાવણીમાં આ સંકટને કારણે ફ્લાઇટ ભાડામાં થયેલા વધારો અંગે પણ સરકારને પ્રશ્નો પૂછ્યા. હાઈકોર્ટની બેન્ચે કહ્યું હતું કે જો કોઈ સંકટ છે, તો બીજી એરલાઇન્સને તેનો લાભ લેવા કેવી રીતે દેવામાં આવે? ભાડું રૂ. 35,000–39,000 સુધી કેવી રીતે પહોંચી શકે? બીજી એરલાઇન્સ આવી ભારે રકમ કેવી રીતે ચાર્જ કરવાનું શરૂ કરી શકે? આવું થઇ શકે તે કેવી રીતે શક્ય છે?

જવાબમાં ASG ચેતન શર્માએ સંબંધિત દસ્તાવેજોની તપાસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે કાનૂની સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ છે.