નેપાળમાં તખતાપલટ? : ઓલી સરકારના નવ મંત્રીઓનાં રાજીનામાં

કાઠમંડુઃ નેપાળમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. નેપાળમાં Gen-Z દેખાવકારોએ બીજા દિવસે પણ હિંસક દેખાવો ચાલુ રાખતાં નેપાળના રાષ્ટ્રપતિ ભવનમાં તોડફોડ કરી છે.  બીજી બાજુ સરકારે સર્વપક્ષી બેઠક બોલાવી છે. આ પહેલાં  કે.પી. ઓલી સરકારના નવ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધાં છે. આ મંત્રીઓએ રાજીનામું આપવાનું કારણ સરકારની નીતિઓ અને સોમવારે સોશિયલ મિડિયા બેનને લઈને થયેલા હિંસક Gen-Z પ્રદર્શન દરમ્યાન થયેલી સરકારી કાર્યવાહી બતાવી છે. બીજી તરફ, નેપાળના બીરગંજમાં નેપાળ સરકારના કાયદા મંત્રી અજયકુમાર ચૌરસિયાના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી છે.

નેપાળમાં રાજીનામું આપનારા મંત્રીઓમાં મુખ્યત્વે કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને માહિતી મંત્રાલય સાથે જોડાયેલાં નામો સામેલ છે. તેમનું કહેવું છે કે સરકારે નાગરિકોની અવાજ દબાવી દીધો છે અને લોકશાહી અધિકારોનું સન્માન નથી કર્યું, જેને કારણે આ પગલું ભરવું પડ્યું. એ સાથે જ ઉપ પ્રધાનમંત્રી પણ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામું એ વાતનો સંકેત આપે છે કે રાજકીય અસંતોષ માત્ર કોંગ્રેસની અંદર જ નહીં, પરંતુ સરકારના ઉચ્ચ સ્તર સુધી ફેલાયો છે.

નેપાળમાં સરકાર દ્વારા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવતાં તેના વિરોધમાં યુવાનોના નેતૃત્વ હેઠળ જબરદસ્ત પ્રદર્શન જોવા મળ્યું હતું. આ પ્રદર્શન દરમ્યાન 20 લોકોનાં મોત થયાં છે અને લગભગ 500 લોકો ઘાયલ થયા છે. હિંસક પ્રદર્શનને જોતાં નેપાળ સરકારે મોડી રાત્રે સોશિયલ મિડિયા પર મૂકવામાં આવેલો પ્રતિબંધ પાછો ખેંચી લીધો હતો. નેપાળ સરકારના પ્રવક્તા અને માહિતી તથા સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે આ નિર્ણયની જાણકારી મિડિયાને આપી હતી. બીજી તરફ નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન વડા પ્રધાનને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. જોકે પ્રદર્શનકારીઓ વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામાની માગ કરી રહ્યા છે.