સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને ખડગે ના જોડાતાં વિવાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસના બે ટોચના નેતા — લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે લાલ કિલ્લામાં યોજાયેલા સ્વતંત્રતા દિવસ સમારોહમાં હાજર ન રહેતાં વિવાદ ઊભો થયો છે. ભાજપે તેને મુદ્દો બનાવી લીધો છે. રાયબરેલીથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના પ્રમુખ ખડગે — બન્નેમાંથી કોઈ પણ નેતા 15 ઓગસ્ટે  લાલ કિલ્લામાં આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં જોડાયા નહોતા. બન્ને નેતાઓએ કોંગ્રેસ મુખ્યાલય ખાતે ધ્વજવંદન કર્યું હતું.

ભાજપે તેને પ્રધાનમંત્રીના પદ, રાષ્ટ્રીય ધ્વજ અને એથી પણ મહત્વપૂર્ણ ઓપરેશન સિંદૂરનું અપમાન ગણાવ્યું છે. આ વિવાદ વચ્ચે કોંગ્રેસે ઈન્દિરા ભવન સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં રાહુલ ગાંધી અને ખડગે બન્ને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતાં ફોટા જાહેર કર્યા.

ભાજપ પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કોંગ્રેસ પર તીવ્ર નિશાન સાધ્યું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે કોંગ્રેસ પ્રવક્તાએ હમણાં જ મારી સાથેની ટીવી ચર્ચામાં પુષ્ટિ કરી છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી 15 ઓગસ્ટના લાલ કિલ્લાના કાર્યક્રમમાં જોડાયા નહોતા. આ રાષ્ટ્રીય ઉત્સવ હતો, પરંતુ દુઃખની વાત છે કે પાકિસ્તાનપ્રેમી રાહુલ ગાંધી મોદી વિરોધમાં દેશ અને સેનાનો વિરોધ કરી રહ્યા છે. શરમજનક વર્તન. શું આ જ છે બંધારણ અને સેનાનો સન્માન?

આ પ્રથમ વાર નથી જ્યારે કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો હોય અથવા તેમની સાથે અંતર રાખ્યું હોય. તે પહેલાં દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી નવા સંસદ ભવનના ભૂમિપૂજન અને તેના ઉદ્ઘાટનમાં જોડાઈ નહોતી. આમંત્રણ હોવા છતાં કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પણ જોડાઈ નહોતી કે આ ભાજપનો કાર્યક્રમ છે. કોંગ્રેસે કહ્યું હતું કે તેમની ધાર્મિક ભાવનાઓ સાથે કોઈ લેવાદેવા નથી.