અમદાવાદ: 2022ના ચૂંટણી પરિણામો બાદ ગુજરાત વિધાનસભામાં ભાજપના 156 ધારાસભ્યો, કોંગ્રેસના 17 ધારાસભ્યો, આપના 5 ધારાસભ્યો હતા. જ્યારે અપક્ષ 3 ધારાસભ્યો અને ખુંટિયાથી સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા ધારાસભ્ય તરીકે ચૂંટાયને આવ્યા હતા. પરંતુ જેમ-જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે અને વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ઘટી રહી છે.
કોંગ્રેસના 3, AAPના 1 ધારાસભ્ય રાજીનામા આપી ચૂક્યા છે. તેમજ એક અપક્ષ ધારાસભ્યે રાજીનામું આપ્યુ હતું. કોંગ્રેસના ખંભાતનાં ધારાસભ્ય ચિરાગ પટેલ, કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડા અને હવે કોંગ્રેસના પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી ચૂક્યા છે. પરિણામે ગુજરાત વિધાનસભામાં હાલની સ્થિતિએ કુલ 177 સભ્યો છે. ભાજપના 156 ધારાસભ્યો છે. કોંગ્રેસના 14 ધારાસભ્યો, AAPના 4 ધારાસભ્યો છે. અપક્ષ 2 ધારાસભ્યો અને SPના એક ધારાસભ્ય છે.
એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ દરમિયાન હવે 5 વિધાનસભા બેઠકો (ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા અને પોરબંદર ) પર પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું. જેમાં 17 બેઠકો પર જ કોંગ્રેસને જીત મળી હતી. કોંગ્રેસનો આ આંકડો સતત ઘટી રહ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ 14 પર પહોંચ્યું છે અને આવનારા સમયમાં તે વધુ ઘટે તેવી શક્યતાઓ હાલ દેખાય રહી છે.