રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું ભવિષ્ય નથીઃ રામદાસ આઠવલે

નવી દિલ્હીઃ રાહુલ ગાંધી આરોપ મૂકવામાં નિષ્ણાત બની ગયા છે. તેઓ જે પણ આરોપ મૂકે છે તેનો તેમની પાર્ટી (કોંગ્રેસ)ને જરાય ફાયદો નથી. દેશને મજબૂત બનાવવામાં પણ તેનો કોઈ ફાયદો નથી, એમ કેબિનેટ મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું હતું.

જો રાહુલ ગાંધી સાચું બોલશે, સાચી દિશામાં આગળ વધશે અને વિપક્ષના નેતા તરીકે પોતાની જવાબદારી નિભાવશે, તો ભવિષ્યમાં સારા નેતા બની શકે છે, પરંતુ મારા અનુભવ મુજબ રાહુલ ગાંધી હંમેશાં ખોટું બોલતા આવ્યા છે અને ખૂબ જ વધુ આરોપો લગાવતા આવ્યા છે. તમે નરેન્દ્ર મોદીજી પર આરોપ લગાવી રહ્યા છો, તેમની માતાનું અપમાન કરનારાઓ પર કોઈ કાર્યવાહી થઈ નથી. આથી કોંગ્રેસ પાર્ટીને જરાય ફાયદો નથી. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું ભવિષ્ય નથી.

રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી પાસે કોઈ નક્કર પુરાવા નથી અને તેઓ માત્ર ખોટી વાતો ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. રાહુલ ગાંધીને સલાહ આપતાં તેમણે કહ્યું હતું કે જો તેમની પાસે ખરેખર પુરાવા છે, તો તેઓ સીધા કોર્ટમાં જાય અથવા ચૂંટણી પંચ (ECI) પાસે ફરિયાદ નોંધાવે.

ચૂંટણી પંચે અગાઉ પણ પુરાવા માગ્યા હતા, પરંતુ પુરાવા આપવામાં આવ્યા નથી. રાહુલ ગાંધી ક્યારેક કહે છે કે મત ઉમેરાયા છે, તો ક્યારેક કહે છે કે મત કાઢી નખાયા છે. ECI એ સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદીમાંથી નામો ઓનલાઈન દૂર કરી શકાતા નથી, એમ તેમણે કહ્યું હતું.

 તેમને મોદીની પ્રગતિ પસંદ નથી

કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના આરોપો પર અઠાવલેએ વ્યંગ કરતાં કહ્યું હતું કે સાચી ‘ચોરી’ તો કોંગ્રેસના સંગઠનમાં થઈ રહી છે, જ્યાં તેમના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રગતિ પસંદ નથી આવી રહી. તેઓ ‘ડેડ ઇકોનોમી’ જેવાં ખોટાં નિવેદનો આપી દેશને નબળો બનાવવાની કોશિશ કરી રહ્યા છે.