અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરમાં આયોજીત FICCIની નેશનલ એક્ઝીક્યુટીવ મિટને સંબોધિત કરી. જેમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમના ઈનીશિએટીવઝના પરિણામે ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું છે. એટલું જ નહીં, તાજેતરમાં IMFના અહેવાલમાં પણ એવા નિર્દેશ આપવામાં આવ્યા છે કે ભારતનો વિકાસ દર ૭ ટકા જેટલો એટલે કે વિશ્વના વિકસિત દેશો કરતા પણ વધુ રહેવાનો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે વધુમાં જણાવ્યું કે, ગુજરાતે નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં રોડ-રસ્તાનું નેટવર્ક હોરીઝોન્ટલ અને વર્ટિકલ બંન્ને રીતે વિકસાવ્યું અને છેક છેવાડાના ગામો સુધી કનેક્ટિવિટી પૂરી પાડી છે. ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારાને દેશના સામુદ્રિક વેપારનું પ્રવેશદ્વાર બનાવ્યો. ગુજરાતને ટ્રેડ-કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ મેપ પર ચમકાવવાની સફળતા ૨૦૦૩થી વાઇબ્રન્ટ સમિટ શરૂ કરીને મેળવી. તેમણે ઉમેર્યું કે, ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બનવા સાથો-સાથ FDI મેળવવામાં અગ્રેસર અને મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન પણ તેમના જ આગવા વિઝનથી બન્યું છે. રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૨૦૦૧માં ૪૪,૮૮૬ કરોડથી વધીને ૨૦૨૨-૨૩માં ૬.૭૦ લાખ કરોડ તથા વીજ ઉત્પાદન ક્ષમતા ૮,૭૫૦ મેગાવોટથી વધીને ૨૦૨૩-૨૪માં ૫૨,૯૪૫ મેગાવોટ થઈ છે.
FICCIના પ્રેસિડેન્ટ અનિશ શાહે કાર્યક્રમની શરૂઆત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત આજે મોડલ સ્ટેટ બન્યું છે. દેશની જીડીપી, કુલ નિકાસ અને કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું નોંધપાત્ર યોગદાન છે. આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીને આવકારતું રાજ્ય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઉદ્યોગો મહત્વનો ભાગ ભજવશે. રાજ્યમાં ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીઝના કારણે ઉદ્યોગો દિન પ્રતિદિન વિકસી રહ્યા છે. FICCI પણ મેક ઇન ઇન્ડિયા, વુમન લેડ ડેવલપમેન્ટ અને સસ્ટનેબિલિટી માટે હંમેશા કામગીરી કરી રહી છે.
FICCIના ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન રાજીવ ગાંધીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું, FICCI સાથે 7000થી વધુ ડાયરેક્ટ અને 2,50,000 જેટલા ઈન ડાયરેક્ટ મેમ્બર્સ સંકળાયેલા છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને ઇકોનોમિક ગ્રોથ મહત્વના બન્યા છે. FICCIના પ્રેસિડેન્ટ ઇલેક્ટ હર્ષવર્ધન અગ્રવાલ, FICCIના વાઈસ પ્રેસિડેન્ટ અનંત ગોયન્કા, ઝાયડસ ગ્રુપના ચેરમેન અને FICCIના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ પંકજ પટેલ સહિત FICCI સાથે સંકળાયેલા ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને કમિટી મેમ્બર્સ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.