ચીનની રશિયા પાસેથી સૌથી વધુ તેલની ખરીદી, છતાં ટ્રમ્પ ચૂપ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયન તેલની આયાત અંગે ભારત પર અન્યાયપૂર્ણ રીતે નિશાન સાધી રહ્યા છે, જ્યારે ચીન પર ચૂપ છે. આવું પસંદગીભર્યું વર્તન ભૌગોલિક-રાજકીય (જિયોપોલિટિકલ) સમીકરણોથી પ્રેરિત હોવાની શકે છે, એમ એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ની તાજેતરનો એક રિપોર્ટ કહે છે.

ડેટા મુજબ ચીન રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે. 2024માં ચીને 62.6 અબજ અમેરિકી ડોલરનું રશિયન તેલ આયાત કર્યું હતું, જ્યારે ભારતમાં આ આંકડો 52.7 અબજ ડોલર રહ્યો. તેમ છતાં ટ્રમ્પે ચીનની ભૂમિકા નજરઅંદાજ કરતાં પોતાનું નિશાન ભારત પર કેન્દ્રિત કર્યું છે.

ટ્રમ્પની ચીન પર ખામોશીનો અર્થ શો?

ટ્રમ્પ ચીનની ટીકા કરવા માટે અસહજ છે અને ભારતને લક્ષ્ય બનાવી રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો હતો કે ભારત મોટા પ્રમાણમાં રશિયન તેલ ખરીદી અને તેને ખુલ્લા બજારમાં વેચી રહ્યું છે. આ નિવેદન તથ્યાત્મક રીતે ખોટું અને ભ્રમ ફેલાવનારું છે. થિંક ટેંકે સ્પષ્ટ કર્યું કે ભારત કાચા તેલનો નિકાસ કરતું નથી. જો ભારતીય રિફાઈનરીઝને લાગે કે રશિયન કાચા તેલ આયાતમાં જોખમ છે, જેમ કે સેકન્ડરી પ્રતિબંધો કે વૈશ્વિક બજારમાં પ્રવેશની અછત — તો તેઓ સ્વયંસ્ફુરણાથી આવી આયાત ઓછી અથવા બંધ કરી શકે છે.

ભારતે 2025ના નાણાકીય વર્ષમાં EUને ડીઝલ અને એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) નિકાસ કરી હતી, પરંતુ EUના પ્રતિબંધને કારણે હવે આ નિકાસ બંધ થઈ જશે. આવી સ્થિતિમાં રિફાઈનરીઝ સરકારના આદેશ વિના જ રશિયન તેલથી દૂર થશે. મે 2025માં, ભારતની રશિયા પાસેથી આયાત મે, 2024ની સરખામણીએ 9.8 ટકા ઘટીને 9.2 અબજ અમેરિકી ડોલર રહી છે, એમ અહેવાલ કહે છે.