રાજસ્થાનના મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતા

નવી દિલ્હી: રાજસ્થાનના રાજકારણમાં બદલાવની ચર્ચાઓ શરૂ થઈ છે. વસુંધરા રાજેએ PM મોદીની મુલાકાત લીધી છે. રાજસ્થાનના CM ભજનલાલ શર્માનો પણ દિલ્હી જવાના છે. રાજકીય વર્તુળોમાં આ મામલે ચોરે ને ચૌટે ચર્ચાનો છે, દિલ્હીમાં રાજસ્થાનને લઈને મોટી બેઠક યોજાઈ હતી, જેમાં બીએલ સંતોષ અને પ્રભારી રાધામોહનદાસ અગ્રવાલ હાજર રહ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં મંત્રીમંડળ અને પ્રદેશ કાર્યકારિણીમાં ટૂંક સમયમાં મોટા બદલાવ થવાની સંભાવના છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ વસુંધરા રાજેએ શિક્ષણ વિભાગની બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી છે. ઝાલાવાડમાં વસુંધરા રાજે જ માત્ર બાળકો અને ઘાયલોનાં ઘરે પહોંચી હતી, જ્યારે CM ભજનલાલ શર્માનો પણ ઝાલાવાડ જવાનો કાર્યક્રમ હતો, પણ વસુંધરા રાજેએ જ પીડિતોને વળતર આપ્યું અને વિસ્તારોમાં નિરીક્ષણ કર્યું. આ ઘટનાઓથી એવું માનવામાં આવી રહ્યું છે કે ભજનલાલ શર્મા ઘણી હદ સુધી સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકતા નથી. રાજ્ય સરકાર અને પાર્ટીમાં મોટા નેતાઓની દખલ વધુ છે, જેથી ભજનલાલ શર્માની અસર ઓછી લાગી રહી છે.વસુંધરા રાજે રાજસ્થાનનાં ભૂતપૂર્વ CM રહી ચૂક્યાં છે, પણ 2023ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે તેમને CM બનાવ્યા વગર ભજનલાલ શર્માને રાજ્યની બાગડોર સોંપી હતી. ભાજપનો આ નિર્ણય લાંબા સમય સુધી રાજકીય ચર્ચાનો વિષય રહ્યો હતો.

રાજે ભાજપની એક અગ્રણી નેતા રહી છે અને તેમની છબી એક મજબૂત અને સ્વતંત્ર નેતા તરીકે હતી. જોકે એમના નેતૃત્વ અંગે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ અને RSS સાથે કેટલાક મતભેદ હતા એવી ચર્ચા છે.

ભાજપે 2023ની ચૂંટણીમાં 115 બેઠકો સાથે જીત મેળવી હતી, પરંતુ વસુંધરા રાજેને CM પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં નહોતાં આવ્યાં. તેને બદલે પાર્ટીએ સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી હતી, જેમાં PM મોદીની લોકપ્રિયતાને મહત્વ અપાયું હતું.