દુબઈ: ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ આજથી તેના મિશનનો પ્રારંભ કરશે, જેમાં પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ICC ટુર્નામેન્ટ્સમાં સારા દેખાવ સાથે આગળ વધવાની સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી શરૂઆત કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. જ્યારે શાન્તોની આગેવાની હેઠળની બાંગ્લાદેશની ટીમને પણ ભારત જેવી મજબૂત ટીમ સામે અણધારી સફળતાની આશા છે. દુબઈમાં આજે અઢી વાગ્યાથી વન ડે મેચની શરૂઆત થશે. ટીમમાં આ વખતે હાર્દિક પંડ્યાની સાથે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાનું સ્થાન નક્કી મનાય છે.
ટુર્નામેન્ટના ઇતિહાસમાં બંને ટીમ ફક્ત એક જ વાર એકબીજા સામે ટકરાઈ છે. આ મેચ 2017માં છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન રમાઈ હતી. બર્મિંગહામમાં રમાયેલી સેમિફાઈનલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 9 વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આમાં કેપ્ટન રોહિત શર્માએ 123 રનની અણનમ ઇનિંગ રમી હતી.ટીમ ઈન્ડિયા સામે મેદાનમાં ઉતરતાં પહેલાં જ બાંગ્લાદેશી કેપ્ટને કહ્યું કે, “અમને અંડર એસ્ટિમેટ કરવાની જરૂર નથી. અમે કોઈ પણ ટીમને હરાવવા માટે સક્ષમ છીએ. હું હરીફ ટીમ વિશે વિચારતો નથી. જો અમે વ્યૂહરચનાને ફોલો કરીશું અને તેનું યોગ્ય રીતે અમલ થશે તો ચોક્કસ જીતીશું. અમારા ફાસ્ટબોલર હાલ ફોર્મમાં છે અને તેનાથી ટીમનો જુસ્સો પણ વધ્યો છે.”
