નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની પ્રથમ બેઠકમાં ‘વંદે માતરમ’ને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ‘વંદે માતરમ’ને રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ જેટલો જ દરજ્જો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. એ સાથે જ ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ’માં સુધારાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટના આ નિર્ણય મુજબ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલું ‘વંદે માતરમ’ પર હવે એ જ નિયમો અને પ્રતિબંધો લાગુ પડશે, જે હાલમાં રાષ્ટ્રીય ગીત પર લાગુ છે, એટલે કે તેના અપમાન અથવા ગીતમાં વિઘ્ન પાડવાના કિસ્સામાં સજા થશે. હાલમાં રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અને રાષ્ટ્રીય ગાનના અપમાન માટે જેલ, દંડ અથવા બંનેની જોગવાઈ છે અને હવે તેમાં ‘વંદે માતરમ’ને પણ સામેલ કરવામાં આવશે.
અધિનિયમમાં ફેરફાર—રાષ્ટ્રીય ગાન જેવા નિયમો લાગુ થશે
આ સુધારા હેઠળ અધિનિયમની કલમ-3માં ફેરફાર કરવામાં આવશે. હાલના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ જાણબૂજીને રાષ્ટ્રીય ગાનના ગાયનમાં અવરોધ ઊભો કરે અથવા આવી સભામાં અશાંતિ ફેલાવશે તો તેને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. ફરી ગુનો કરવાથી ઓછામાં ઓછા એક વર્ષની સજાની જોગવાઈ છે. આ નિર્ણય એવા સમયમાં લેવામાં આવ્યો છે, જ્યારે દેશ ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ ઊજવી રહ્યો છે. આ પહેલાં 2005માં કાયદામાં ફેરફાર કરીને રાષ્ટ્રીય ધ્વજના અપમાનજનક ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સંસદમાં ઊઠી માગ—સરકારે પહેલેથી સંકેત આપ્યા હતા
ગયા વર્ષના ડિસેમ્બરમાં સંસદમાં ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ ચર્ચા પણ થઈ હતી. આ દરમિયાન તેને રાષ્ટ્રીય ગાન જેટલો દરજ્જો આપવા માગ ઊઠી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ ગીતને તુષ્ટિકરણના રાજકારણને કારણે અવગણવામાં આવ્યું અને તેને સાંપ્રદાયિક રંગ આપવામાં આવ્યો. આ વર્ષે જાન્યુઆરીમાં ગૃહ મંત્રાલયે ‘વંદે માતરમ’ના ગાયન અને આચરણ અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી. તેમાં મુખ્ય સરકારી કાર્યક્રમોમાં તેના તમામ છ અંતરા ગાવા સૂચના આપવામાં આવી હતી.




