ટેસ્લાની ભારતમાં એન્ટ્રી; બેંગલુરુમાં ઓફિસ ખોલી

બેંગલુરુઃ દક્ષિણ આફ્રિકામાં જન્મેલા, અમેરિકામાં સ્થાયી થયેલા અને દુનિયાના નંબર-1 શ્રીમંત અને વિશ્વની અગ્રગણ્ય ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા કંપનીના સ્થાપક અને સીઈઓ એલન મસ્ક ભારતમાં આવીને બિઝનેસ કરશે કે કેમ એવી અમુક વર્ષોથી ચાલતી અટકળોનો આખરે અંત આવી ગયો છે. એમની ટેસ્લા કંપનીએ બેંગલુરુમાં ઓફિસ શરૂ કરી છે. મસ્કે પોતાની ભારતીય પેટા-કંપનીનું નામ રાખ્યું છે, ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ.

રજિસ્ટ્રાર ઓફ કંપનીઝની વેબસાઈટ પરથી ઉપલબ્ધ વિગતો અનુસાર, ટેસ્લા કંપનીએ ગઈ 8 જાન્યુઆરીએ રૂ. 15 લાખની ઓથોરાઈઝ્ડ મૂડી અને રૂ. 1 લાખની પેઈડ-અપ મૂડી સાથે બેંગલુરુમાં તેની ભારતીય કંપનીને રજિસ્ટર કરાવી છે. વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જોન ફેન્સટીન તેના ડાયરેક્ટરો છે. એલન મસ્કે ગયા ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે એમની કંપની 2021માં ભારતની બજારમાં પ્રવેશ કરશે. ભારતમાં ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન અને ઉપયોગ વધે એ માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે તેવા સમયે ટેસ્લાએ ભારતમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી છે. કર્ણાટકના ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્ય પ્રધાન યેડીયુરપ્પાએ સ્વાગત કર્યું છે.