ભારતીય-સેનામાં મહિલાઓની હવે પાઈલટ તરીકે ભરતી કરાશે

નવી દિલ્હીઃ ભારતીય લશ્કરના લશ્કરી વડા જનરલ મનોજ મુકુંદ નરવણેએ જણાવ્યું છે કે આવતા વર્ષથી ભારતીય લશ્કરના આર્મી એવિએશન કોર્પ્સ વિભાગમાં મહિલાઓની પાઈલટ તરીકે ભરતી કરવામાં આવશે. અત્યાર સુધી, મહિલાઓ આર્મી એવિએશન કોર્પ્સમાં માત્ર જમીન પરની ફરજો જ બજાવે છે. જનરલ નરવણેએ કહ્યું કે મહિલા પાઈલટો સરહદ સુધીના સ્થળોએ હેલિકોપ્ટરો ફ્લાય કરશે અને સરહદ પરની કામગીરીઓનો હિસ્સો પણ બનશે. આ માટેનો પ્રસ્તાવ ભારત સરકારે મંજૂર કરી દીધો છે.

ભારતીય હવાઈ દળમાં તો 10 મહિલા ફાઈટર પાઈલટ તરીકે સેવા બજાવે છે. ભારતીય નૌકાદળમાં, મહિલા પાઈલટો ડોર્નિયર વિમાન ફ્લાય કરે છે તેમજ હેલિકોપ્ટરોમાં અને જાસૂસી વિમાન P8Iમાં નિરીક્ષક તરીકે સેવા બજાવે છે.