વર્ષ 2021 માટે સફળતાના 9 રહસ્યો

સફળ થવા કોણ નથી ઇચ્છતું? પ્રત્યેક વ્યક્તિ માટે સફળતાનો અર્થ ભિન્ન ભિન્ન હોય છે. પરંતુ વાસ્તવમાં સફળતા શું છે? સફળ વ્યક્તિ એ છે જે જીવનમાં આવતા પડકારોનો સસ્મિત સામનો કરે છે. વીતી ચૂકેલાં વર્ષ 2020 એ આપણને એ જ શીખવ્યું છે ને? લોકડાઉન, સામાજિક અંતર, અનિશ્ચિતતાઓ વચ્ચે પણ હસતાં રહીને, સકારાત્મક રહીને કે શાંત રહીને પડકાર જનક સમય સાથે વહીને પોતાનું કામ કર્યા કરવું તે જ ગત વર્ષ એ આપણને શીખવાડયું છે.

બેન્કમાં લાખો રુપિયા હોય પણ તમે જો શાંતિથી ઊંઘી નથી શકતાં તો એ સફળતા નથી. પુષ્કળ પૈસા છે પરંતુ જો તમારું આરોગ્ય સારું નથી તો તે સફળતા નથી. એ જ રીતે, તમે પૈસાદાર છો પણ ભયથી, ચિંતાથી પીડાઓ છો, કે કોઈ જ મિત્ર નથી તો તે પણ સફળતા નથી.  હું કહીશ કે તમારું હાસ્ય એ તમારી સફળતાનો માપદંડ છે. તમારાં જીવનમાં હાસ્ય વણાયેલું છે કે નહિ, અને તમે અન્યનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કેટલા પ્રતિબદ્ધ છો? તમારી પોતાની ક્ષમતા પર તમને કેટલો વિશ્વાસ છે? તમે માત્ર તમારાં જ ભવિષ્ય વિષે વિચાર્યા કરો છો? આ બધું તમારી સફળતા સૂચવે છે. જીવન નિર્વાહ માટે પૈસાની આવશ્યકતા છે જ પણ માત્ર પૈસા જ જીવન નથી.

તો નૂતન વર્ષ 2021 માટે સફળતાનાં નવ રહસ્યો વિષે વાત કરીએ:

  1. સંકલ્પ-શક્તિ : કોઈ પણ નવાં કાર્યની સફળતાનો આધાર સંકલ્પ શક્તિ છે. સંકલ્પ શક્તિ ત્યારે જ દ્રઢ બને છે જયારે કોઈ પણ કાર્ય કરીએ તેનાં ફળ માટે,પરિણામ માટે આપણે વિહ્વળ બનતાં નથી. તમારા શત પ્રતિશત આપો અને વિશ્રામ કરો.
  2. આધ્યાત્મિકતા: જીવનમાં આધ્યાત્મિકતાથીતમારાં ભૌતિક ધ્યેય પણ સરળતાથી સાધી શકાય છે. પ્રગતિ ના સમય દરમ્યાન તમે શાંત રહો છો, અહંકાર નથી કરતા અને કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે છે તો તમે હિંમત હાર્યા વગર ધ્યેય પ્રાપ્તિ સુધી ખંતપૂર્વક કાર્ય કરતાં રહો છો.
  3. ધૈર્ય : સામાન્ય રીતે આપણું મન દોડે છે અને એ ગતિએ આપણે કાર્ય કરી શકતાં નથી. મન જયારે સ્થિર છે,શાંત છે, અને ધૈર્ય થી સભર છે ત્યારે તમે ગતિશીલ હો છો, ડાયનેમિક થઈને કોઈ પણ કાર્ય કરો છો અને તે તમને નિશ્ચિતપણે સફળતા આપે છે.
  4. યોગ્ય અભિગમ: કાર્ય કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે,વધુ શોર બકોર કર્યા વગર, નિશ્ચિતતાપૂર્વક, નિરંતર કાર્ય કરતાં રહેવું! તમારો ઉદ્દેશ્ય કેટલો પ્રામાણિક છે, કેટલી નિષ્ઠાથી તમે કાર્ય કરો છો તે તમારી સફળતાનો આધાર છે. ઝાઝા શોર બકોરથી સફળતા મળતી નથી.
  5. સાહસ વૃત્તિ: કોઈ પણ કાર્ય પૂરું કરવામાંતમે જોખમ ઉઠાવી શકો છો કે નહિ તે ક્ષમતા પર તમારી સફળતા નિર્ભર હોય છે. યુવાનો પડકાર ઝીલે છે. જો તમે વયોવૃદ્ધ છો તો જ તમે કમ્ફર્ટ ઝોન માં રહેવા ઈચ્છો છો. સફળતા તમારા કમ્ફર્ટ ઝોનની બહાર છે.
  6. નિષ્ફળતાનો સ્વીકાર: નિષ્ફળતાનો સ્વીકાર તમે કેટલી ઝડપથી અને તાકાતથી કરો છો તેના પર પણ સફળતાનો બહુ મોટો આધાર રહેલો છે. જડ વલણ છે અને વિચારો તથા ક્રિયા વચ્ચે જયારે મેળ નથી ત્યારે નિષ્ફળતા મળે છે. પરંતુ પ્રત્યેક નિષ્ફળતા સફળતા ભણી લઇ જાય છે. સફળતા એ તમારી ક્ષમતાનો માપદંડ છે. તમારી યોગ્યતા પ્રમાણે તમે સફળ થાઓ છો. તો ક્યાં તમારે નિપુણ બનવાનું છે,કૌશલ્ય મેળવવાનું છે તે તમને નિષ્ફળતા જ શીખવાડે છે. પરંતુ તમારી ક્ષમતા પ્રમાણે તમે કાર્ય કર્યું એ સફળતા જ છે.
  7. સ્મિત અને આત્મવિશ્વાસ: ચહેરા પરથી ક્યારેય ન વિલાતું સ્મિત, ક્યારેય ક્ષીણ ન થતો આત્મવિશ્વાસ અને દ્રઢ, સ્થિર વ્યક્તિત્વ એ સફળ વ્યક્તિની લાક્ષણિકતા છે. દિવસમાં તમે કેટલા કલાક હસ્યા તે સંખ્યા પર તમારી સફળતા નિર્ભર કરે છે. તમારું હાસ્ય, આત્મવિશ્વાસ અને અન્ય ની સંભાળ લેવાની ક્ષમતા એ તમારી સફળતાનું મૂલ્યાંકન છે.
  8. દ્રઢતા અને અટલતા: જયારે તમે બધું જ ગુમાવી દો છો,છતાં તમારી અંદર દ્રઢતા છે, અટલ વિશ્વાસ છે અને સઘળું પન:નિર્માણ કરવાની હિમ્મત છે ત્યારે તમે નિશ્ચિતપણે વિજયી બનો જ છો. દ્રઢ વલણ અને પોતાના પર શ્રદ્ધા એ સફળતા માટેના સાધન છે.
  9. દિવ્ય શક્તિ પ્રતિ કૃતજ્ઞ ભાવ: કોઈ પણ સફળતા માટે તમે ઘમંડ કરો છો તો તે સાચો અભિગમ નથી. જયારે તમે જાણી લો છો કે દરેક કાર્ય એક દિવ્ય શક્તિની કૃપાથી થાય છે,ત્યારે તમે અનન્ય કૃતજ્ઞ ભાવ અનુભવો છો અને આ કૃતજ્ઞતા થકી પ્રકૃતિ તમને પ્રચૂર માત્રામાં સઘળું આપવા તત્પર બની જાય છે.

આ નવ રહસ્યોને જીવનમાં સ્ફૂટિત કરવા માટે નો ઉપાય છે, ધ્યાન! પ્રતિદિન 20 મિનિટનું ધ્યાન તમને કેન્દ્રિત બનાવે છે. ધ્યાન દ્વારા તમે વર્તમાન ક્ષણમાં રહો છો, પ્રસન્ન રહો છો. દ્રઢ અને સ્થિર બનો છો. પ્રતિનિત્ય ધ્યાન કરવાનો એક સંકલ્પ અનેક સફળતાઓ નો માર્ગ ખોલશે. સદા પ્રસન્ન રહેવું એ જ્યોતિર્મય પ્રજ્ઞા ની ઉપસ્થિતિ સૂચવે છે. આ નિરંતર પ્રજ્ઞાની ઉપસ્થિતિમાં કોઈ નિષ્ફળતાને અવકાશ નથી.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]