નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર એક એવી યંત્રણા લાગુ કરવા વિશે વિચારી રહી છે જેનાથી કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લેનાર વિમાન પ્રવાસીઓને દેશની અંદર પ્રવાસ કરવા માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ સાથે રાખવાની જરૂર નહીં રહે. કેન્દ્રીય નાગરી ઉડ્ડયન મંત્રાલય તથા આરોગ્ય-કુટુંબ કલ્યાણ મંત્રાલયોના અધિકારીઓ આ વિશે હાલ ચર્ચા-વિચારણા કરી રહ્યાં છે. અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ આ ચર્ચામાં સામેલ કરવામાં આવ્યા છે.
હાલ ઓડિશા, મેઘાલય અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો બહારથી આવતા વિમાન પ્રવાસીઓ પાસે કોવિડ-નેગેટિવ રિપોર્ટની માગણી કરે છે. વળી, પ્રવાસીઓનું કોરોના પરીક્ષણ એમણે સફર શરૂ કરી હોય એના 72 કલાકથી વધારે સમય પહેલાનું કરાવેલું હોવું ન જોઈએ. કોરોના રોગચાળાના ફેલાવાને કારણે સ્થાનિક એરલાઈન કંપનીઓને ભારે આર્થિક ખોટ ગઈ છે. એમણે કેન્દ્રીય નાગરી ઉડ્ડયન મંત્રાલયને કહ્યું છે આ પ્રકારના રાજ્ય સ્તરના નિયમોને કારણે વિમાન પ્રવાસ ઉદ્યોગનો વિકાસ રૂંધાય છે. જે પ્રવાસીઓએ રસીના બંને ડોઝ લઈ લીધા હોય એમને કોવિડ-નેગેટિવ રિપોર્ટ સાથે રાખ્યા વગર પણ પ્રવાસ કરવા દેવો જોઈએ.