બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 7-કરોડને પાર

મુંબઈ તા. 7 જૂન, 2021ઃ દેશના અગ્રણી અને વિશ્વના સૌથી ઝડપી એક્સચેન્જમાં યુનિક ક્લાયન્ટ કોડ (યુસીસી)ની દૃષ્ટિએ રજિસ્ટર્ડ વપરાશકારો (રોકાણકારોની)ની સંખ્યા સાત કરોડની સપાટી વટાવી એક નવો વિક્રમ કર્યો છે, એમ બીએસઈએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે માત્ર 139 દિવસમાં બીએસઈ પર રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા છ કરોડથી વધીને સાત કરોડ થઈ ગઈ છે. આ પૂર્વે રોકાણકારોની સંખ્યા છ કરોડ, પાંચ કરોડ અને ચાર કરોડની સપાટીએ પહોંચતાં અનુક્રમે 241, 652 અને 939 દિવસો લાગ્યા  હતા એ જોતાં આ સૌથી ઝડપી વૃદ્ધિ છે.

આ સિદ્ધિ વિશે બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે એક્સચેન્જના પ્લેટફોર્મ પર વધુને વધુ રોકાણકારોને લાવવાના, ખાસ કરીને રિટેલ રોકાણકારોને લાવવાના બીએસઈના પ્રયત્નોની સાબિતી આ સિદ્ધિ છે. બીએસઈને વિશ્વાસ છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ, ઈન્સ્યુરન્સ અને અન્ય ઘણાં ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સની વિસ્તૃત ડિલિવરી સિસ્ટમ માટેની ક્ષમતા દ્વારા વધુને વધુ વપરાશકારો સુધી પહોંચી શકાશે.

સાત કરોડ વપરાશકારોમાંથી 38 ટકા 30-40ની વયજૂથના, 24 ટકા 20-30 વયજૂથના અને 13 ટકા 40-50ની વયજૂથના છે. વપરાશકારોમાં આટલી વૃદ્ધિનું મુખ્ય કારણ ટેક સેવી યુવા વપરાશકારો છે. એક કરોડ વપરાશકારોની આ વૃદ્ધિમાં 20-40 વયજૂથના 82 લાખ વપરાશકારો છે. આ ઉપરાંત બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન 25મી મે, 2021ના રોજ રૂ.227 લાખ કરોડ (3.12 ટ્રિલ્યન ડોલર)ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું.

રોકાણકારોની કુલ સાત કરોડની સંખ્યામાં સૌથી અધિક રોકાણકારો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. કુલ રોકાણકારોમાં આ બંને રાજ્યોનો હિસ્સો અનુક્રમે 21.5 ટકા અને 12.3 ટકા છે. એ પછીના ક્રમે 7.5 ટકા સાથે ઉત્તર પ્રદેશ અને કર્ણાટક, તામિલનાડુ એ પ્રત્યેકનો હિસ્સો 6.1 ટકા છે. મહારાષ્ટ્રમાં રોકાણકારોની સંખ્યામાં 15 ટકા વધીને 19.44 લાખનો અને ગુજરાતના 9 ટકા વધીને 7.35 લાખનો  ઉમેરો  થયો છે.

બીએસઈ સતત રોકાણ અંગેની જાગૃતિ માટે કાર્ય કરે છે. રોકાણકારોની સંખ્યામાં સૌથી ઝડપી વધારો આસામ (82 ટકા), સેવન સિસ્ટર્સ રાજ્યો (30 ટકા) અને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ (24 ટકા) રહ્યો છે. મોટાં રાજ્યોમાં ઉત્તર પ્રદેશમાં 9.57 લાખ રોકાણકારોના ઉમેરા સાથે 22 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે અને એ પછીના ક્રમે રાજસ્થાન (6.64 લાખ રોકાણકારો સાથે 24 ટકા) અને મધ્ય પ્રદેશ (5.84 લાખ રોકાણકારો સાથે 29 ટકા વૃદ્ધિ) છે.

છેલ્લાં થોડા વર્ષોથી બીએસઈ પેપરલેસ ટ્રેડિંગ માહોલ સર્જી રહ્યું છે. પરિણામે રોકાણકારો માટે ડિજિટલ પ્રક્રિયા દ્વારા એક્સચેન્જ પર કામકાજ કરવાનું આસાન બન્યું છે. માર્ચ 2020માં કોવિડ-19ને પગલે સ્ટોક માર્કેટમાં જે કડાકો બોલ્યો એનો લાભ લેવા લાખો રોકાણકારો ઈક્વિટી બજારમાં પહેલી વાર પ્રવેશ્યા હતા અને એટલે જ એપ્રિલ 2020થી રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે.