નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશ રાજ્યના તવાંગમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલી લશ્કરી તંગદિલી વચ્ચે દિલ્હીના વેપારીઓએ ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) સંસ્થાએ કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને લેખિતમાં વિનંતી કરી છે કે તેઓ માલસામાનની આયાત અને ઈ-કોમર્સને લગતી નીતિમાં ફેરફાર કરાવે અને દરેક ચીજ ઉપર તેના મૂળ ઉત્પાદક દેશનું નામ લખવાનું ફરજિયાત બનાવે.
CTIના ચેરમેન બ્રિજેશ ગોયલનું કહેવું છે કે, ‘હાલની નીતિ અંતર્ગત ઘણી બાબતોની જાણકારી હોતી નથી. ખાસ કરીને ઈ-કોમર્સ સાઈટ્સ વિશે. ગ્રાહકોને એ શોધી જ શકતા નથી કે તેઓ જે માલ ખરીદી રહ્યા છે એનું ઉત્પાદન કયા દેશમાં કરવામાં આવ્યું છે. અનેક ચીજવસ્તુઓના બોક્સ કે રેપર ઉપર મૂળ ઉત્પાદક દેશનું નામ લખેલું ન હોવાથી લોકોને ચીની ઉત્પાદનો ખરીદવા માગતા ન હોવા છતાં અજાણતાં ખરીદી લે છે. જો મૂળ ઉત્પાદક દેશનું નામ લખ્યું હોય તો ભારતીયો ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરી શકે. કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ અને માલસામાનની આયાતને લગતી તેની નીતિમાં ફેરફાર કરવાની જરૂર છે. ચીન ભારતની બજારોમાંથી પૈસા કમાય છે અને પછી એનો ભારત વિરુદ્ધ દુરુપયોગ કરે છે. ભારતમાંથી ચીનમાં માત્ર 13.97 અબજ ડોલરની કિંમતના માલસામાનની નિકાસ થાય છે. નિકાસના આંકમાં 36.4 ટકાનો ઘટાડો થયો છે. જો ભારતના વેપારીઓ અને ગ્રાહકો ચાઈનીઝ માલનો બહિષ્કાર કરે તો ચીન ભારતને ઘૂંટણિયે પડી જશે.’