ફ્લાઇટ્સથી જતી વખતે પાંચ સાવધાની ધ્યાનમાં રાખો

નવી દિલ્હીઃ આશરે એક વર્ષ પહેલાં વિશ્વનાં સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંનું એક દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કોરોના વાઇરસને કારણે ભેંકાર ભાસતું હતું, વળી કોરોનાની બીજી લહેરને કારણે ફ્લાઇટ્સની ઓછી સંખ્યાને લીધે ટર્મિનલ-ટૂ પરનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. કોરોનાને લીધે અનેક લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. લોકો હાલના સમયે પરિવાર સાથે રહેવાનું વધુ પસંદ કરે છે.

હાલમાં કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં સુરક્ષાની દ્રષ્ટિએ યાત્રીએ હવાઈ યાત્રા વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સુરક્ષા માટે ડબલ માસ્કઃ કોરોનાની બીજી ઘાતક લહેર વખતે લોકોએ બમણી સુરક્ષાનું મહત્ત્વ સમજી લીધું છે. અભ્યાસમાં જણાયું છે કે ડબલ માસ્ક વ્યક્તિના વાઇરસના સંસર્ગમાં 95 ટકાનો ઘટાડો કરે છે. CDCએ સર્જિકલ માસ્ક ઉપર કાપડના માસ્કની ભલામણ કરી છે.

કપડાં થકી ઓછો સંપર્કઃ હવાઈ પ્રવાસ દરમ્યાન તમારા પોશાક થકી પણ શક્ય તેટલા અન્ય સાથે ઓછા સંપર્કમાં આવવાની સલાહ છે. બીજું, તમારા શરીરને શક્ય તેટલું ઢાંકવાની સલાહ છે. ખુલ્લાં પગરખાં પહેરવાનું પણ ટાળવાની સલાહ છે. ગોગલ્સ પહેરો અને હાથનાં મોજા પણ પહેરવાં જોઈએ.

તમારા લગેજને જંતુમુક્ત કરોઃ હવાઈ પ્રવાસ વખતે તમારી બેગ અનેક ચેનલોમાંથી પસાર થાય છે, એટલે ઓછા સામાન સાથે ચેક-ઇન કરો અને પછી ચેક-આઉટ વખતે તમારા સામાનને સૌપ્રથમ સેનિટાઇઝ કરો.

વિન્ડો સીટઃ અગાઉથી ટિકિટ બુક કરાવતી વખતે બની શકો તો વિન્ડો સીટ બુક કરાવો જેથી અન્ય પ્રવાસીઓના સ્પર્શ અને વોશરૂમ જતી વખતે બિનજરૂરી સંપર્ક ટાળી શકાય.

પ્રવાસ દરમ્યાન અંતર જાળવોઃ પ્રવાસ વખતે અન્ય પ્રવાસીઓ સાથે અંતર અને સ્વચ્છતા જાળવો. જ્યારે તમે ફ્લાઇટની રાહ જોતા હો ત્યારે ટર્મિનલની આસપાસ ચાલો, જેતી બેઠક વિસ્તારના ચેપથી બચી શકાય. વોશરૂમ્સના દરવાજા ખોલવા કોણીનો ઉપયોગ કરો અને ભીડવાળા વોશરૂમથી દૂર રહેવાની સલાહ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]