અર્જુન, સોનાક્ષી, જાન્વીએ મુંબઈમાં લક્ઝરી ઘર ખરીદ્યાં

મુંબઈઃ બોલીવુડનાં ત્રણ યુવા કલાકારોએ હાલમાં જ મુંબઈમાં વૈભવશાળી આવાસ ખરીદ્યાં હોવાના અહેવાલ છે. આ કલાકારો છે – અર્જુન કપૂર, સોનાક્ષી સિન્હા અને જાન્વી કપૂર.

અર્જુને બાન્દ્રા ઉપનગરમાં પોશ કોલોની ગણાતા 81, ઔરીટમાં 4 બેડરૂમ, હોલ, કીચનનો લક્ઝરિયસ, સ્કાય વિલા ફ્લેટ ખરીદ્યો છે. એની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા નજીકની જ સોસાયટીમાં રહે છે. અર્જુને જેમાં ફ્લેટ ખરીદ્યો છે એ બિલ્ડિંગ 26-માળનું છે અને એનાં ફ્લેટમાંથી અરબી સમુદ્ર દેખાય છે, વરલી સી લિન્ક દેખાય છે. આ ફ્લેટ એણે રૂ.20-23 કરોડમાં ખરીદ્યો હોવાનું કહેવાય છે.

સોનાક્ષીએ પણ અર્જુનની જ સોસાયટીમાં 4 બેડરૂમ, હોલ, કીચનનો ફ્લેટ ખરીદ્યો છે. પોતે આ ફ્લેટ પોતે કમાયેલા પૈસામાંથી ખરીદ્યો છે અને ‘30 વર્ષની થાઉં એ પહેલાં જ મારાં પોતાનાં પૈસામાંથી ઘર ખરીદું એવું મારું સપનું હતું. એટલે આ મારું ડ્રીમ હોમ છે,’ એમ તેણે કહ્યું છે. જોકે પિતા શત્રુઘ્ન સિન્હા, માતા પૂનમ સિન્હા તથા બે જોડિયા ભાઈઓ લવ-કુશ સાથેના ‘રામાયણ’ નિવાસસ્થાનને છોડી દેવાનો હાલમાં એનો કોઈ પ્લાન નથી, એમ પણ તેણે કહ્યું છે.

સ્વ. શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની મોટી પુત્રી જાન્વીએ વિલે પારલે (વેસ્ટ)ના પોશ એવા જુહૂ વિસ્તારમાં એક ટ્રિપ્લેક્સ ખરીદ્યો છે. મકાનના 14મા, 15મા અને 16મા માળ પર, એમ ત્રણ પ્લેટ એણે ખરીદ્યાં છે. આ સોદો રૂ. 39 કરોડમાં કર્યો હોવાનું મનાય છે. શત્રુઘ્ન સિન્હા, હેમા માલિની, અનિલ કપૂર, પરેશ રાવલ જેવા અનેક બોલીવુડ કલાકારો પણ આ જ વિસ્તારમાં રહે છે. જાન્વીને આ સોસાયટીની અંદર છ કાર પાર્ક કરવાની જગ્યા પણ ફાળવવામાં આવી છે. અન્ય યુવા અભિનેત્રી આલિયા ભટ્ટે પણ આ જ સોસાયટીમાં રૂ. 32 કરોડમાં એક ફ્લેટ ખરીદ્યો છે. અભિનેતા હૃતિક રોશને પણ વિલે પારલેમાં જુહૂ-વર્સોવા લિન્ક રોડ પર 100 કરોડની કિંમતે બે ફ્લેટ ખરીદ્યા હોવાનું કહેવાય છે. એક ફ્લેટ ડુપ્લેક્સ પેન્ટહાઉસ છે અને બીજો સિંગલ-માળ પરનો વિશાળ ફ્લેટ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]