રેલવે સ્ટેશનો, એરપોર્ટ, મોલમાં જલદી જ મળશે “કુલડી”માં ચા…

0
1123

નવી દિલ્હીઃ  દેશના પ્રમુખ રેલવે સ્ટેશનો, બસ ડેપો, એરપોર્ટ અને મોલમાં આપને જલદી જ કુલડી (માટીનું એક પાત્ર) વાળી ચા પીવા મળી શકે છે. કેન્દ્રીય રોડ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ રેલ પ્રધાન પીયૂષ ગોયલને આ મામલે પત્ર લખ્યો છે. અત્યારે વારાણસી અને રાયબરેલી સ્ટેશનો પર જ માટીથી બનેલી કુલડીમાં ચા આપવામાં આવે છે.

ગડકરીએ કહ્યું કે મેં પીયૂષ ગોયલને એક પત્ર લખીને 100 રેલવે સ્ટેશનો પર કુલડીને અનિવાર્ય કરવા માટે કહ્યું છે. મેં એરપોર્ટ્સ અને બસ સ્ટેશનોની ચાની દુકાનો પર પણ આને અનિવાર્ય કરવા માટે ભલામણ કરી છે. અમે કુલડીના ઉપયોગ માટે મોલ્સને પ્રોત્સાહિત કરીશું.  

ગડકરીએ કહ્યું કે આનાથી સ્થાનીય કુંભારોને બજાર મળશે. આ સાથે જ કાગળ અને પ્લાસ્ટિકથી બનેલા કપનો ઉપયોગ બંધ થવાથી પર્યાવરણને થઈ રહેલું નુકસાન ઓછું થશે. ગડકરીએ ખાદી ગ્રામોદ્યોગ આયોગને પણ માંગ વધવાની સ્થિતીમાં વ્યાપક સ્તર પર કુલડીના ઉત્પાદન માટે આવશ્યક ઉપકરણો ઉપ્લબ્ધ કરાવવા માટે પણ કહ્યું છે. આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ આ મામલે કહ્યું કે અમે ગત વર્ષે કુંભારોને કુલડી બનાવવા માટે 100 ઈલેકટ્રિક ચાક આપ્યા હતા. આ વર્ષે અમે 25 હજાર ઈલેકટ્રિક ચાક વહેંચવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

સરકાર કુંભાર સશક્તિકરણ યોજના અંતર્ગત ઈલેકટ્રિક ચોક વિતરિત કરી રહી છે. આનાથી ઉત્પાદક ક્ષમતામાં સુધારો આવશે. વર્ષ 2004માં તત્કાલીન રેલ પ્રધાન લાલૂ પ્રસાદ યાદવે પોટરી ઈન્ડસ્ટ્રીને વેગ આપવા માટે કુલડીની શરુઆત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ચા અને અન્ય ગરમ પદાર્થ કુલડીમાં જ આપવા જોઈએ.