પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સુરક્ષામાં ઘટાડોઃ હવે એસપીજી નહી Z+ સુરક્ષા કવર મળશે

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પાસેથી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજીની સુરક્ષા પરત લઈ લેવામાં આવી છે. આ મામલે ગૃહ મંત્રાલયે કહ્યું કે વર્તમાન સુરક્ષા કવરની સમીક્ષા કરવામાં આવી છે. આ સમીક્ષા સુરક્ષા એજન્સીઓ દ્વારા સંભવિત ખતરાને ધ્યાનમાં રાખતા કરવામાં આવે છે. ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે એસપીજી સુરક્ષા હટાવ્યા બાદ મનમોહન સિંહને ઝેડ+ સુરક્ષા કવર આપવામાં આવશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા પાછી લેવાનો નિર્ણય ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટના આધાર પર કેબિનેટ સચિવ અને ગૃહ મંત્રાલય વચ્ચે સમીક્ષા બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. અત્યારસુધી માત્ર પાંચ લોકોને એસપીજી સુરક્ષા મળી હતી. અત્યારે માત્ર ચાર લોકોને જ હવે એસપીજી સુરક્ષા મળશે. આમાં વડાપ્રધાન મોદી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સુરક્ષામાં એસપીજીના આશરે 200 જવાનો જોડાયેલા હતા. હવે આ તમામ જવાનોને પરત આવવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. હવે મનમોહન સિંહને ઝેડ+ની સુરક્ષા મળશે. એટલે કે હવે તેમની સાથે એનએસજી અને સીઆરપીએફના જવાનો તેનાત રહેશે. ઝેડ+ સુરક્ષામાં 55 સુરક્ષા કર્મચારીઓ તેનાત રહેશે. આમાં આશરે એક ડઝન જેટલા એનએસજી કમાન્ડો હોય છે.

ગૃહ મંત્રાલયે ગત મહિને પણ દેશના ઘણા મોટા નેતાઓને આપવામાં આવેલી સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર આદેશ અનુસાર, આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ, બીએસપી સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા, યૂપી બીજેપીના નેતા સંગીત સોમ, બીજેપી સાંસદ રાજીવ પ્રતાપ રુડીની સુરક્ષા ઘટાડવામાં આવી હતી. આ સીવાય કેન્દ્રએ સુરેશ રાણા, એલજેપી સાંસદ ચિરાગ પાસવાન, પૂર્વ સાંસદ પપ્પૂ યાદવની સુરક્ષામાં પણ ઘટાડો કર્યો. લાલૂ પ્રસાદ સીવાય બીજેપી સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ પ્રતાપ રુડીની પણ સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો. તેમને હવે કેન્દ્રની સુરક્ષા નહી મળે. આ સીવાય રાજ્યસભા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રાની સુરક્ષામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]