પેમેન્ટ સેવા અંગે કેન્દ્ર સરકાર, વોટ્સએપને સુપ્રીમ કોર્ટની નોટિસ

નવી દિલ્હી – મેસેજિંગ સર્વિસ પ્રોવાઈડર વોટ્સએપને તેની પેમેન્ટ સેવા જ્યાં સુધી ભારતીય રિઝર્વ બેન્કની જોગવાઈઓને સંપૂર્ણપણે અનુરૂપ ન બને ત્યાં સુધી એને અટકાવી દેવાનો આદેશ આપવાની દાદ ચાહતી એક અરજી પરની સુનાવણીમાં આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તથા વોટ્સએપને નોટિસ મોકલી છે.

ન્યાયમૂર્તિઓ રોહિન્ટન ફલી નરીમન અને ઈન્દુ મલ્હોત્રાની બેન્ચે વોટ્સએપ, કેન્દ્રના કાયદા અને ન્યાય મંત્રાલય, નાણાં મંત્રાલય તથા ઈન્ફોર્મશન ટેક્નોલોજી મંત્રાલયને ચાર અઠવાડિયાની અંદર જવાબ આપવા કહ્યું છે.

અરજદાર સંસ્થા સેન્ટર ફોર એકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટમિક ચેન્જ વતી ઉપસ્થિત થયેલા એડવોકેટ વિરાગ ગુપ્તાએ એવી દલીલ કરી હતી કે વોટ્સએપ મેસેજિંગ પ્લેટફોર્મ ભારતીય રિઝર્વ બેન્કે ઘડેલા નો યોર કસ્ટમર (KYC) સહિતના કાયદાઓ-નિયમોને આધીન નથી.

અરજદારે વધુમાં કહ્યું છે કે ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓએ ભારતમાં યૂઝર્સ માટે ગ્રીવન્સ ઓફિસરો નિયુક્ત કર્યા છે, પણ વોટ્સએપે નથી કર્યા. તેથી વોટ્સએપને પણ ભારતીય રિઝર્વ બેન્કે ઘડેલા કાયદાઓને આધીન બનાવવી જોઈએ અને ગ્રીવન્સ ઓફિસરની નિમણૂક કરવાનો એને આદેશ આપવો જોઈએ, જે અધિકારી ગ્રાહકોને લગતી ફરિયાદો પર ધ્યાન આપે તેમજ જરૂર પડે ત્યારે તપાસ એજન્સીઓ સાથે સંકલનમાં રહે.

અરજદારે કહ્યું છે કે વોટ્સએપ એક વિદેશી કંપની છે જેની ભારતમાં કોઈ ઓફિસ નથી કે કોઈ સર્વર્સ નથી. તે છતાં એ પેમેન્ટ સેવા ચલાવે છે. તેથી એને માટે ભારતમાં એની ઓફિસ રાખવાનું ફરજિયાત બનાવવું જોઈએ. વોટ્સએપને હાલ પેમેન્ટ તથા અન્ય સેવાઓ કોઈ પણ પ્રકારના ચેકિંગ કર્યા વગર ચાલુ રાખવા દેવામાં આવી રહી છે.

ફેસબુક કંપનીની માલિકીની વોટ્સએપના ભારતમાં 2 કરોડથી વધુ યૂઝર્સ છે અને 10 લાખથી વધુ લોકો એની પેમેન્ટ સેવાને ટેસ્ટ કરી ચૂક્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]