એશિયન ગેમ્સ બેડમિન્ટન; સિંધુનો ઐતિહાસિક ફાઈનલ પ્રવેશ, કાંસ્ય સાઈનાને ફાળે

જકાર્તા – જાપાનની અકેની યામાગુચીને હરાવીને એશિયન ગેમ્સમાં બેડમિન્ટન રમતની ફાઈનલમાં પહોંચનાર પી.વી. સિંધુ પહેલી ભારતીય બની છે. ફાઈનલમાં સિંધુ ચાઈનીઝ તાઈપેઈની તાઈ જૂ યિન્ગ સામે રમશે, જેણે પહેલી સેમી ફાઈનલમાં સાઈના નેહવાલને પરાજય આપ્યો હતો.

આમ, સિંધુ કાં તો ગોલ્ડ અથવા સિલ્વર જીતશે. કાંસ્ય સાઈનાને ફાળે ગયો છે.

ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર સિંધુએ આજે અહીં રમાઈ ગયેલી ભારે રસાકસીરી બની ગયેલી સેમી ફાઈનલ મેચમાં યામાગુચીને ત્રણ સેટના રિઝલ્ટમાં પરાસ્ત કરી હતી.

વિશ્વમાં તૃતિય ક્રમાંકિત સિંધુએ યામાગુચીને 21-17, 15-21, 21-10થી હરાવી હતી. એશિયન ગેમ્સમાં યામાગુચી ઉપર સિંધુનો આ બીજો વિજય છે. અગાઉ ટીમ હરીફાઈમાં પણ સિંધુએ એને હરાવી હતી.

બીજી બાજુ, તાઈ જૂ યિન્ગ સામે સાઈના સતત 10મી વાર હારી ગઈ હતી.

પરાજય થતાં નિરાશ યામાગુચી

સિંધુ અને યામાગુચી વચ્ચેની મેચ 65 મિનિટ સુધી ચાલી હતી. નિર્ણાયક સેટમાં 50-શોટની રેલી જોવા મળી હતી, જેમાં અંતે સિંધુ વિજેતા બની હતી.

1982માં, નવી દિલ્હીમાં યોજાઈ ગયેલી એશિયન ગેમ્સમાં સૈયદ મોદીએ પુરુષોના સિંગલ્સ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ ગેમ્સમાં ભારતે મેળવેલો તે એકમાત્ર વ્યક્તિગત મેડલ છે.

સાઈના નેહવાલનો તાઈ જૂ યિન્ગ સામે ફરી પરાજય

અગાઉ પહેલી સેમી ફાઈનલમાં, સાઈના નેહવાલનો સીધી ગેમ્સમાં પરાજય થતાં એને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે.

સેમી ફાઈનલમાં સાઈનાનો ચાઈનીઝ તાઈપેઈની વર્લ્ડ નંબર-1 તાઈ જૂ યિન્ગ સામે 21-17, 21-14થી પરાજય થયો છે.

સાઈનાએ બીજી ગેમમાં થોડોક પ્રતિકાર બતાવ્યો હતો, પણ યિન્ગ પ્રભુત્વ જમાવવામાં સફળ રહી હતી.

એશિયન ગેમ્સમાં બેડમિન્ટનની રમતમાં ભારતે 36 વર્ષ પછી આ પહેલી વાર વ્યક્તિગત સિંગલ્સ મેડલ જીત્યો છે.