અમદાવાદઃ ઘરેલુ શેરબજારે નવો રેકોર્ડ બન્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી- બંને અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા છે. સતત 11મા દિવસે બંને ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. રિલાયન્સની આગેવાની હેઠળ બેન્ક શેરો, ફાઇનાન્સિયલ, ઓટો, IT અને FMCG શેરોમાં તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે રોકાણકારોએ સાવચેતી રૂપે પ્રોફિટ બુકિંગ કરતાં માર્કેટ થોડું દબાયું હતું. જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. જેથી રોકાણકારોના રૂ. 31,000 કરોડ ડૂબ્યા હતા.
રિલાયન્સે 1:1 શેર બોનસ શેરની જાહેરાત કરતાં શેરોમાં તેજી આગળ વધી હતી. BSE સેન્સેક્સ 349.05 પોઇન્ટ વધીને 82,134.61ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી50 99.60 પોઇન્ટ વધીને 25,151.95ના મથાળ બંધ થયો હતો.
અમેરિકી ફેડરલ રિઝર્વે આગામી બેઠક દરમ્યાન વ્યાજદરોમાં કાપ ના સંકેતો આપ્યા છે. જેથી IT શેરોમાં લેવાલી હતી. વ્યાજદરો ઘટવાથી વિદેશી રોકાણકારો મોટા પાયે સ્ટોક માર્કેટમાં પરત ફરે એવી શક્યતા છે, જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા 19માંથી 17 દિવસ શેરબજારમાં ચોખ્ખા લેવાલ રહ્યા હતા. તેમણે આશરે રૂ. 486 અબજની ખરીદી કરી હતી.
BSE એક્સચેન્જ પર કુલ 4047 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1426 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2522 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 99 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 297 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 23 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.